તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 9th March 2026
T20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ અડાલજની વાવમાં આઈકોનિક ફોટોશૂટ
કેપ્ટન સુર્યકુમાર યાદવે વાવના કળાત્મક ગોખલાઓ અને પથ્થરો પરની કોતરણી વચ્ચે વર્લ્ડકપ ટ્રોફી સાથે પોઝ આપ્યા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચાહકોનો ઘોડાપૂર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વખત T20 વિશ્વ વિજેતા બનેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા. વિશ્વકપની ઝળહળતી ટ્રોફી સાથે સૂર્યાની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયાની જીત બાદ આઈકોનિક ફોટોશૂટ માટે અડાલજની વાવની પસંદગી કરવામાં આવી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે વાવના કળાત્મક ગોખલાઓ અને પથ્થરો પરની કોતરણી વચ્ચે વર્લ્ડકપ ટ્રોફી સાથે પોઝ આપ્યા હતા. વર્ષ 2023ના વન-ડે વર્લ્ડકપ દરમિયાન પણ અહીં ટ્રોફી ફોટોશૂટ થયું હતું, જે પરંપરાને આજે સૂર્યાએ આગળ ધપાવી છે.
આ મુલાકાત દરમિયાન માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમ સાથે આવેલા કેટલાક વિદેશી મહેમાનો અને પ્રતિનિધિઓ પણ અડાલજની વાવ નિહાળવા પહોંચ્યા હતા. 15મી સદીની આ વાવની પાંચ માળની ઊંડાઈ અને ઇજનેરી કૌશલ્ય જોઈને વિદેશી મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ભારતીય વારસાના ભારોભાર વખાણ કર્યા હતા.
સૂર્યકુમાર યાદવની લોકપ્રિયતાને જોતા ગાંધીનગર પોલીસ દ્વારા અગાઉથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વાવના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને અંદરના ભાગ સુધી પોલીસ તૈનાત હતી. તેમ છતાં, જ્યારે કેપ્ટન સૂર્યા મેદાનમાં આવ્યા ત્યારે ચાહકોએ ‘ઇન્ડિયા… ઇન્ડિયા…’ અને ‘સૂર્યા… સૂર્યા…’ ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. સૂર્યાએ પણ હાથ હલાવીને તમામ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ગુજરાતના ગાંધીનગર નજીક એક ઐતિહાસિક વાવ છે, જે 15મી સદીમાં બનાવવામાં આવી છે. આ પાંચ માળની ઊંડી વાવ તેની જટિલ કોતરણી, સ્તંભો અને ભારત-ઇસ્લામિક સ્થાપત્યના અદભુત મિશ્રણ માટે પ્રખ્યાત છે. તે મૂળરૂપે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે પ્રાથમિક પાણીના સ્ત્રોત અને આરામ સ્થળ તરીકે બનાવવામાં આવ્યું હતું. આજે તે ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે, જે તેની સુંદર સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વને કારણે ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.
રવિવારે ફાઇનલ મેચ બાદ, સૂર્યકુમાર યાદવ મોડી રાત્રે અમદાવાદના હનુમાન મંદિરમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે પહોંચ્યો અને પ્રાર્થના કરી. ICC ચેરમેન જય શાહ અને ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હતા.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
