તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ : બેંગકોકમાં ભારત ‘A’ મહિલા ટીમનો પાકિસ્તાન સામે ૮ વિકેટે ભવ્ય વિજય : યુવા ખેલાડીઓનું દબદબાભર્યું પ્રદર્શન
પાકિસ્તાની ટીમ માત્ર ૯૩ રનમાં ધરાશાયી : વૃંદા દિનેશની ૨૯ બોલમાં ૫૫ રનની તોફાની અણનમ ઇનિંગની મદદથી ભારતે ૫૯ બોલ બાકી રહેતા એકતરફી મુકાબલો જીતી લીધો

બેંગકોક : બેંગકોક ખાતે રમાઈ રહેલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ૨૦૨૬માં ભારત ‘A’ મહિલા ટીમે પાકિસ્તાન ‘A’ મહિલા ટીમ સામે શાનદાર પ્રદર્શન કરતા ૮ વિકેટે પરાજય આપીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા છે. ભારતીય બોલરોની ધારદાર બોલિંગ અને બેટ્સમેનોની આક્રમક રમતને કારણે આ હાઈવોલ્ટેજ મુકાબલો સંપૂર્ણપણે એકતરફી સાબિત થયો હતો.
બોલરોના શાનદાર પ્રદર્શન સામે પાકિસ્તાની બેટિંગ લાઇન પડી ભાંગી
મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. પાકિસ્તાનના આઠ બેટ્સમેનો ડબલ ફિગર એટલે કે બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. સમગ્ર ટીમ ૧૮.૫ ઓવરમાં માત્ર ૯૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઓપનર શવાલ ઝુલ્ફિકરે સૌથી વધુ ૨૩ રન બનાવ્યા હતા. ભારત તરફથી સાયમા ઠાકુર, કેપ્ટન રાધા યાદવ અને પ્રેમા રાવતે ૨-૨ વિકેટ ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. અન્ય બે બોલરોએ પણ મહત્વની સફળતા મેળવી હતી.
વૃંદા દિનેશની આક્રમક અડધી સદી અને ૫૯ બોલ બાકી રહેતા જીત
૯૪ રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનું ખાતું ખૂલે તે પહેલા જ ઓપનર હુમૈરા કાઝી શૂન્ય રને આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ વૃંદા દિનેશ અને અનુષ્કા શર્માએ બાજી સંભાળી હતી. વૃંદાએ પાકિસ્તાની બોલરોની ભારે ધોલાઈ કરતા માત્ર ૨૯ બોલમાં ૫૫ રનની અણનમ અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બીજી વિકેટ માટે ૭૯ રનની ભાગીદારી નોંધાયા બાદ ભારત જીતની નજીક પહોંચ્યું હતું.
ભારતે માત્ર ૧૦.૧ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૯૪ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ૫૯ બોલ બાકી રહેતા મેળવેલી આ જીત ભારતની ક્ષમતાનો પરિચય આપે છે. ઉલ્લેખનીય છે કે, નેપાળને હરાવીને ઉત્સાહમાં રહેલી પાકિસ્તાની ટીમનો આ ટુર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. યુવા ભારતીય ખેલાડીઓના આ પ્રદર્શનથી એશિયા કપમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બની છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
