News of Sunday, 15th February 2026
મેદાનમાં જંગ, દિલમાં ધડકન: વિમેન્સ એશિયા કપમાં ભારત-પાક વચ્ચે મહામુકાબલો, શું ઇન્ડિયા-A લેશે હારનો બદલો?
બેંગકોકમાં રાધા યાદવની સેના અને પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ; UAE સામેની હાર બાદ ભારત માટે 'કરો અથવા મરો' જેવી સ્થિતિ

બેંગકોક: ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત દુશ્મનાવટ આજે બેંગકોકના ટેર્ડથાઇ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળશે. વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં આજે ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે બપોરે ૧૨:૩૦ વાગ્યે ટક્કર થવાની છે. ભારત માટે આ મેચ માત્ર રમત નથી, પરંતુ પ્રતિષ્ઠાનો સવાલ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) સામે આઘાતજનક હારનો સામનો કર્યા બાદ કૅપ્ટન રાધા યાદવ અને તેની ટીમ આજે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
બીજી તરફ, પાકિસ્તાન-A ની ટીમ નેપાળ સામે જીત મેળવીને જોરદાર આત્મવિશ્વાસ સાથે રમી રહી છે. કૅપ્ટન હફસા ખાલિદની ટીમ ભારતને હરાવીને સેમીફાઈનલ તરફ મજબૂત ડગલું ભરવા માંગશે. નોંધનીય છે કે ૨૦૨૩માં જ્યારે આ બંને ટીમો ટકરાવાની હતી ત્યારે વરસાદે રમત બગાડી હતી, પરંતુ આજે બેંગકોકના આકાશમાં ક્રિકેટના સિતારાઓ ચમકવા માટે તૈયાર છે. ઇન્ડિયા-A ને જો આ ટુર્નામેન્ટમાં ટકી રહેવું હોય તો બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.
ગઈકાલના મુકાબલામાં યજમાન થાઇલેન્ડે મલેશિયાને ૯૯ રને કચડી નાખ્યું હતું, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકા સામે ૪ રને રોમાંચક જીત મેળવીને ટુર્નામેન્ટમાં ગરમાવો લાવી દીધો છે. હવે આખા એશિયાની નજર આજના હાઈ-વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મુકાબલા પર છે. શું ભારતીય સિંહણો પાકિસ્તાનના વિજયરથને રોકી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
