News of Saturday, 14th February 2026
પાકિસ્તાન ફફડ્યું: "અલ્લાહ કરે કાલે વરસાદ પડે!" પૂર્વ પાક. ક્રિકેટરે હારના ડરથી માંગી દુઆ, ટીમ ઈન્ડિયાના શાહી ઠાઠ જોઈ પાડોશી દેશ સ્તબ્ધ
કોલંબોમાં ભારત-પાક મહામુકાબલો: પાકિસ્તાની ખેલાડીઓ સામાન્ય ફ્લાઈટમાં આવ્યા જ્યારે ભારતની સેના માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન; હાર્દિકની કરોડોની ઘડિયાળ અને ફેન્સના વૈભવની પાકિસ્તાની મીડિયામાં ચર્ચા

કોલંબો : T20 વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી મોટા જંગ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પૂર્વે જંગના મેદાન બહાર જ ભારતે મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી લીધી હોય તેવું લાગી રહ્યું છે. ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનાર આ મેચ પહેલા પાકિસ્તાની છાવણીમાં હારનો ફફડાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો હવે મેચ રમાય તેના બદલે વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે!
હારની શરમથી બચવા વરસાદનો સહારો
એક પાકિસ્તાની ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે, "આ મેચનું પરિણામ શું આવશે તેની આપણને સૌને ખબર જ છે. એટલે હું તો એવી દુઆ કરું છું કે અલ્લાહ કરે ને કાલે વરસાદ પડી જાય! જો મેચ ધોવાઈ જશે તો પાકિસ્તાનને ઓછામાં ઓછો ૧ પોઈન્ટ તો મળશે." આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાની દિગ્ગજોને પોતાની ટીમની જીત પર જરાય ભરોસો નથી.
ટીમ ઈન્ડિયાની 'કિંગ સાઈઝ' એન્ટ્રી
મેચની સાથે સાથે બંને ટીમોના લાઈફસ્ટાઈલની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની પત્રકારો પણ કબૂલી રહ્યા છે કે ભારતનો દબદબો અલગ જ લેવલનો છે. પાકિસ્તાનની ટીમ સામાન્ય ફ્લાઈટમાં કોલંબો પહોંચી હતી, જ્યારે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે ખાસ લક્ઝરી ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. એરપોર્ટ પર હાર્દિક પંડ્યાની કરોડોની કિંમતની ઘડિયાળ અને અર્શદીપ સિંહનો મસ્તમૌલા અંદાજ પાકિસ્તાની મીડિયામાં હેડલાઈન્સ બની રહ્યો છે.
ભારતીય ફેન્સ પણ છે વીવીઆઈપી
માત્ર ખેલાડીઓ જ નહીં, પણ ભારતીય સમર્થકોના ઠાઠ જોઈને પણ પાકિસ્તાન દંગ છે. કેનેડા, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાથી આવતા ભારતીય ફેન્સ પણ ગ્રુપમાં ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવીને કોલંબો પહોંચી રહ્યા છે. સ્ટેડિયમમાં ચારેતરફ 'બ્લુ આર્મી'નું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાની કેપ્ટન આગા અને તેની ટીમ દબાણમાં જણાઈ રહી છે.
કોલંબોમાં હાલ વરસાદની આગાહી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુદરત બાસિત અલીની દુઆ સાંભળે છે કે પછી મેદાન પર ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને ફરી એકવાર હારનો સ્વાદ ચખાડે છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
