<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

જુનિયર બ્‍લુ બ્રિગેડ ફાઇનલમાં : વિરોધી ટીમોના હાલ બેહાલ

 

અન્‍ડર ૧૯ વર્લ્‍ડકપ : કાલે બપોરે ૧ વાગ્‍યાથી ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે ફાઇનલ મુકાબલો : બાપ બાપ હોતા હૈ... તે સિનિયર હોય કે જુનિયર ટીમ ઇન્‍ડિયા વિશ્વ વિજેતા બનવા માટે માત્ર એક ડગલું દૂર

નવી દિલ્‍હી : અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્‍ડિયાએ અફઘાનિસ્‍તાનને  ૭ વિકેટે હરાવી ૧૦મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્‍ડિયાએ અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો છે.

ટીમે ૩૧૧ રનના ટાર્ગેટને માત્ર ૪૧.૧ ઓવરમાં પાર પાડી દીધો છે. ટીમ ઈન્‍ડિયાના એરોન જ્‍યોર્જે ૧૧૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી.  ૬ ફેબ્રુઆરીએ હરારે સ્‍પોર્ટ્‍સ ક્‍લબમાં ફાઈનલ મેચ રમાશે જેમાં ઇંગ્‍લેન્‍ડ સામે ટીમ ઈન્‍ડિયાનો સામનો થશે.

ઓપનર એરોન જ્‍યોર્જે આક્રમક બેટિંગ કરતા ૧૫ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગાની મદદથી ૧૦૪ બોલમાં ૧૧૫ રન ફટકાર્યા હતા, વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૩ બોલમાં ૬૮ રન બનાવીને રન રેટ વધાર્યો હતો.

વૈભવે ઇનિંગમાં ૯ ચોગ્‍ગા અને ૪ છગ્‍ગા માર્યા હતા. કેપ્‍ટન આયુષ મ્‍હાત્રેએ ૫૯ બોલમાં ૬૨ રનનું યોગદાન આપ્‍યું હતું. જ્‍યારે વિહાન મલ્‍હોત્રા (૩૮ રન) અને વેદાંત ત્રિવેદી (૫ રન) પર અણનમ રહ્યા હતા.

અન્‍ડર-૧૯ કપની ૧૬  સિઝનમાં ભારતીય ટીમ પાંચ વખત ચેમ્‍પિયન બની ચૂકી છે. અત્‍યાર સુધી ટીમ ઇન્‍ડિયા ૧૦ વખત તેમજ સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પહોંચી છે.

ભારતની પ્‍લેઇંગ ઇલેવન : આયુષ મ્‍હાત્રે (કેપ્‍ટન), એરોન જ્‍યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્‍હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આર.એસ અંબરીશ, કનિષ્‍ક ચૌહાણ, ખિલન પટેલ, હેનિલ પટેલ અને દીપેશ દેવેન્‍દ્રન.

(2:52 PM IST)