<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

WPL 2026 પૂર્વે RCBને મોટો ફટકો: સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી ટુર્નામેન્ટમાંથી બહાર; સયાલી સતઘરે લેશે સ્થાન

પેરી ઉપરાંત એનાબેલ સધરલેન્ડ અને તારા નોરિસ પણ હટી ગયા; ૯ જાન્યુઆરીથી શરૂ થતા ક્રિકેટના મહાકુંભ પહેલા ટીમોમાં મોટા ફેરફારો

નવી દિલ્હી : મહિલા પ્રીમિયર લીગ (WPL) ૨૦૨૬ની સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે અત્યંત આઘાતજનક સમાચાર આવ્યા છે. ટીમની કરોડરજ્જુ ગણાતી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીએ વ્યક્તિગત કારણોસર આખી સીઝનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. પેરીની ગેરહાજરી સ્મૃતિ મંધાનાની ટીમ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે, કારણ કે ૨૦૨૪માં RCBને ચેમ્પિયન બનાવવામાં પેરીનો મોટો ફાળો હતો.

સયાલી સતઘરેની એન્ટ્રી

RCBએ પેરીના સ્થાને ભારતીય ઓલરાઉન્ડર સયાલી સતઘરેને ટીમમાં સામેલ કરી છે. સયાલી અગાઉ ગુજરાત જાયન્ટ્સનો હિસ્સો રહી ચૂકી છે અને તેને તેની ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર લેવામાં આવી છે. પેરીએ અત્યાર સુધી ૨૫ WPL મેચોમાં ૯૭૨ રન અને ૧૪ વિકેટ ઝડપીને લીગમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. હવે તેની ખોટ પૂરી કરવાની જવાબદારી સયાલી અને દક્ષિણ આફ્રિકાની નાદીન ડી ક્લાર્ક પર રહેશે.

દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સમાં પણ બદલાવ

માત્ર RCB જ નહીં, પરંતુ અન્ય ટીમોને પણ આંચકા લાગ્યા છે. દિલ્હી કેપિટલ્સની એનાબેલ સધરલેન્ડ પણ વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, તેના સ્થાને ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર અલાના કિંગની વરણી કરવામાં આવી છે. બીજી તરફ, યુપી વોરિયર્સની તારા નોરિસ નેપાળમાં યોજાનારી T20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં યુએસએ ટીમનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી હોવાથી તે પણ ઉપલબ્ધ રહેશે નહીં. તેના સ્થાને ઓસ્ટ્રેલિયન અનકેપ્ડ ઓલરાઉન્ડર ચાર્લી નોટને ૧૦ લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવી છે.

૯ જાન્યુઆરીથી જંગ જામશે

WPL ૨૦૨૬ની શરૂઆત ૯ જાન્યુઆરીથી નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે થશે, જ્યાં ઉદ્ઘાટન મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને ટકરાશે. આ સીઝન નવી મુંબઈ અને વડોદરા એમ બે સ્થળોએ રમાશે, જેમાં ફાઈનલ મેચ ૫ ફેબ્રુઆરીએ વડોદરામાં યોજાશે. મહત્વના ખેલાડીઓની વિદાયથી ટીમોના સમીકરણો બદલાયા છે, જે ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવશે.

 

(5:41 PM IST)