News of Tuesday, 29th July 2025
લ્યો બોલો :વાનખેડે સ્ટેડિયમમાંથી વિવિધ IPL ટીમોની 261 જેટલી મોંઘીદાટ જર્સીની ચોરી !
ચોરાયેલી જર્સીની કિંમત 6.52 લાખ રૂપિયા: ચોરી બદલ 46 વર્ષીય સુરક્ષા મેનેજર ફારુક અસલમ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો

મુંબઈની મરીન ડ્રાઇવ પોલીસે વાનખેડે સ્ટેડિયમ સ્થિત BCCIના સત્તાવાર મર્ચન્ડાઈઝ સ્ટોરમાંથી 261 IPL જર્સીની ચોરી અંગે FIR નોંધી છે. ચોરાયેલી જર્સીની કિંમત 6.52 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મુજબ, એક જર્સીની કિંમત 2500 રૂપિયા છે. આ ચોરી બદલ 46 વર્ષીય સુરક્ષા મેનેજર ફારુક અસલમ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 હેઠળ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, BCCI કર્મચારી હેમાંગ ભરત કુમાર અમીને ફરિયાદ નોંધાવી છે. અમીને આરોપ લગાવ્યો છે કે ફારુકે સ્ટોરમાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો અને દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઇડર્સ, પંજાબ કિંગ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી IPL ટીમોની સત્તાવાર જર્સીની ચોરી કરી હતી.
અમીનની ફરિયાદના આધારે મરીન ડ્રાઇવ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓની મદદથી ઘટનાના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે. ચોરાયેલી વસ્તુઓ રિકવર કરવાના પ્રયાસો પણ ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે ફારુક પર ચોરીનો આરોપ ગંભીર છે અને તપાસમાં તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
આ ઘટના પછી, વાનખેડે સ્ટેડિયમ જેવા પ્રતિષ્ઠિત સ્થળે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થયા છે. BCCI મર્ચન્ડાઈઝ સ્ટોર બીજા માળે આવેલો છે અને ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પોલીસે ફારુક અસલમ ખાનને મુખ્ય આરોપી બનાવ્યા છે.
વાનખેડે સ્ટેડિયમ મુંબઈ માં સ્થિત એક ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ છે. 1974 માં સ્થાપિત, તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું મુખ્ય મથક અને મુંબઇ ઇન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ છે. મરીન ડ્રાઇવ નજીક સ્થિત, આ સ્ટેડિયમમાં લગભગ 33,000 દર્શકોની ક્ષમતા છે. તે 2011 ના ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ સહિત ઘણી યાદગાર મેચોનું સાક્ષી રહ્યું છે જેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ, આ સ્ટેડિયમ IPL અને આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરે છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
