<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સમીર રિઝવીની ફરી વિસ્ફોટક ઇનિંગ :વિદર્ભ સામે બેવડી સદી ફટકારી :આઠ દિવસમાં 2 ડબલ્સ અને 2 સદી લગાવી

યુપીની અંડર-23 ટીમના કેપ્ટન સમીર રિઝવીએ ફરી બેવડી સદી ફટકારી:વિદર્ભ સામે રમતા સમીરે 105 બોલમાં 202 રનની અણનમ ઇનિંગ રમી:તેણે 10 ફોર અને 18 સિક્સર ફટકારી

નવી દિલ્હી ચાર દિવસ પહેલા જ યુપીના સમીર રિઝવીએ 97 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે ફરી એકવાર તેણે અણનમ બેવડી સદી ફટકારીને ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી. અંડર-23 સ્ટેટ એ ટ્રોફીમાં રિઝવીનું બેટ સતત રન બનાવી રહ્યું છે. છેલ્લા 8 દિવસમાં રિઝવીએ બે ડબલ્સ અને બે સદી ફટકારી છે.

વડોદરામાં રમાયેલી મેચમાં વિદર્ભે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદર્ભે 50 ઓવરમાં 6 વિકેટે 406 રન બનાવ્યા હતા. ટીમ વતી ડેનિશ માલેવારે 142 રન અને કેપ્ટન મોહમ્મદ ફૈઝે 100 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુપીની ટીમે 41.2 ઓવરમાં 2 વિકેટે 409 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

કેપ્ટન સમીર રિઝવી 13મી ઓવરમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમનો સ્કોર 2 વિકેટે 113 રન હતો. ઓપનર શૌર્ય સિંહ 62 રન બનાવીને આઉટ થયો હતો. તેના પહેલા સ્વસ્તિક 41 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓપનરોએ 10.4 ઓવરમાં 106 રન ઉમેર્યા હતા. આ પછી સમીર રિઝવી અને વિકેટકીપર શોએબ સિદ્દીકીએ માત્ર 173 બોલમાં અણનમ 296 રનની ભાગીદારી નોંધાવી વિદર્ભના બોલરોને ધક્કો મારી દીધો હતો.શોએબ સિદ્દીકી 96 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 73 બોલની ઈનિંગમાં 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે સમીર રિઝવીએ શાનદાર બેવડી સદી ફટકારી હતી. સમીર રિઝવીએ 105 બોલમાં 10 ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી અણનમ 202 રન બનાવ્યા હતા.

સમીર રિઝવીએ માત્ર 4 દિવસ પહેલા (21 ડિસેમ્બર, 2024) વડોદરામાં ત્રિપુરા અંડર-23 સામે તોફાની ઇનિંગ રમી હતી. સમીર રિઝવીએ 97 બોલમાં 13 ચોગ્ગા અને 20 છગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા. સમીર રિઝવીએ અગાઉ હિમાચલ પ્રદેશ (19 ડિસેમ્બર 2024) સામે 153 રન અને પુડુચેરી (17 ડિસેમ્બર 2024) સામે અણનમ 137 રન બનાવ્યા હતા. સમીર રિઝવીના ખાતામાં અંડર-23 સ્ટેટ એ ટુર્નામેન્ટમાં 6 ઇનિંગ્સ બાદ 728 રન છે. અત્યાર સુધીમાં તેણે 52 ચોગ્ગા અને 64 છગ્ગા ફટકાર્યા છે.

(11:25 PM IST)