News of Wednesday, 30th October 2024
ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ પાસેથી છીનવાયો નંબર-1નો તાજ: વિરાટ કોહલી અને પંતને પણ નુકસાન
દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડાએ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું:બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટ લેવાનો ફાયદો મળ્યો

મુંબઈ : ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. તેના શાસન પર કગિસો રબાડાએ કબજો કર્યો છે. દક્ષિણ આફ્રિકાના આ બોલરે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં નવ વિકેટ લેવાનો ફાયદો મળ્યો છે. આ સિવાય તેણે ટેસ્ટમાં 300 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો હતો. હવે તેને તેનું ઈનામ મળ્યું છે. આ સિવાય ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને બેટ્સમેનોની રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ફરી ટોપ થ્રીમાં આવી ગયો છે. તે એક સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
બુમરાહ ઉપરાંત અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં નુકસાન થયું છે. તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય જાડેજા આઠમા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો નોમાન અલી આઠ સ્થાનના ફાયદા સાથે ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ થયો છે. તે નવમા સ્થાને પહોંચી ગયો છે.
વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત અને વિરાટ કોહલીની બેટિંગ રેન્કિંગમાં ઘટાડો થયો છે. પંત પાંચ સ્થાન નીચે ખસકીને 11મા સ્થાને આવી ગયો છે, જ્યારે કોહલી છ સ્થાન નીચે પટકાઈને 14મા સ્થાને આવી ગયો છે.
ન્યુઝીલેન્ડના ડેવોન કોનવે (આઠ સ્થાન ઉપરથી 28માં સ્થાને), ટોમ લાથમ (છ સ્થાન ઉપરથી 34માં સ્થાને) અને ગ્લેન ફિલિપ્સ (16 સ્થાન ઉપરથી 45મા ક્રમે) અને દક્ષિણ આફ્રિકાના કાયલ વેરેને (14 સ્થાન ઉપરથી 32મા ક્રમે) રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો થયો છે.
ભારતના રવિન્દ્ર જાડેજા (નંબર વન) અને અશ્વિન (નંબર બે) ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર સારી સરસાઈ જાળવી રાખી છે. બાંગ્લાદેશનો સ્ટાર મેહદી હસન બે સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
