તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 16th September 2024
અર્જુન તેંડુલકરે પોતાની તોફાની બોલિંગથી ચાહકોના દિલ જીત્યા
અર્જુન તેંડુલકરે મેચમાં કુલ ૯ વિકેટ લીધીઃકર્ણાટકમાં ચાલી રહેલી રેડ બોલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર

બેંગલુરુ, તા.૧૬
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે અર્જુન તેંડુલકરે પોતાની તોફાની બોલિંગથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ડાબોડી ફાસ્ટ બોલર હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલી ડોક્ટર કે થીમપ્પિયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે, જ્યાં તેણે ગોવા તરફથી રમતી વખતે KSCA XI સામે ધમાલ મચાવી હતી. અર્જુને આ રેડ બોલ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને ગોવાને ઈનિંગ અને ૧૮૯ રનથી જીત અપાવવામાં મદદ કરી.
ગોવા ક્રિકેટ એસોસિએશન માટે અર્જુન તેંડુલકરે મેચમાં કુલ ૯ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં તેણે પાંચ વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં આ ખેલાડીએ ચાર વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકરે KSCA XI સામે પ્રથમ દાવમાં માત્ર ૪૧ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકરે એકલા હાથે KSCA XI ના પ્રથમ પાંચ બેટ્સમેનમાંથી ચારને આઉટ કર્યા અને પછી અક્ષન રાવની વિકેટ લઈને તેની પાંચ વિકેટ પૂરી કરી. KSCA ઈલેવનની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૦૩ રન જ બનાવી શકી હતી. જવાબમાં ગોવા ક્રિકેટ એસોસિએશનની ટીમે પ્રથમ દાવમાં ૪૧૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અભિનવ તેજરાનાએ ૧૦૯ રનની ઈનિંગ રમી હતી. મંથન ખુટકરે ૬૯ રનની ઈનિંગ રમી અર્જુન તેંડુલકરે ૧૮ રનનું યોગદાન આપ્યું હતું.
આ પછી અર્જુન તેંડુલકરે બીજી ઈનિંગમાં ફરી પોતાની બોલિંગ કૌશલ્ય સાબિત કરી. આ વખતે KSCA ઈલેવનની ટીમ માત્ર ૧૨૧ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ વખતે પણ સૌથી વધુ નુકસાન અર્જુને કર્યું હતું. અર્જુને બીજી ઈનિંગમાં ૫૫ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આ રીતે અર્જુને કુલ ૯ વિકેટ પોતાના નામે કરી હતી. અર્જુને તેના પરફોર્મન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.
અર્જુન તેંડુલકર માટે આગામી રણજી સિઝન ઘણી મહત્વની છે. આવતા મહિનાથી રણજી ટ્રોફી શરૃ થઈ રહી છે અને તે પહેલા આ ખેલાડી સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. ગોવા માટે સારું પ્રદર્શન તેના માટે વધુ દરવાજા ખોલી શકે છે.
અર્જુનના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેણે ૧૩ મેચમાં ૨૧ વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય આ ખેલાડીએ બેટથી પણ પોતાની તાકાત બતાવી છે. અર્જુને રણજી ટ્રોફીમાં સદી ફટકારી છે અને ૪૮૧ રન બનાવ્યા છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
