<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ઝિમ્બાબ્વેએ હાર છતાં ભારત સામે ટી-20માં રચ્યો ઈતિહાસ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે યજમાન ઝિમ્બાબ્વેને 23 રને હરાવીને પાંચ મેચની T20 શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા, જેના જવાબમાં યજમાન ટીમ એટલી જ ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. જોકે હાર છતાં ઝિમ્બાબ્વેએ ટી-20 ક્રિકેટમાં ભારત સામે ઈતિહાસ રચ્યો છે.આ મેચમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 39 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ છતાં ટીમ 150નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. આ સાથે જ ઝિમ્બાબ્વેએ T20 ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પાંચમી વિકેટ પડ્યા બાદ તેની T20 મેચના ઈતિહાસમાં સૌથી વધુ રન ઉમેર્યા છે. બુધવારે રમાયેલી મેચમાં તેણે 5મી વિકેટ પડ્યા બાદ 119 રન ઉમેર્યા હતા.પાંચમી વિકેટ પડ્યા બાદ ઝિમ્બાબ્વેએ અગાઉ બે વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 2022માં હરારેમાં બાંગ્લાદેશ સામે 104 રન અને 101 રન ઉમેર્યા હતા. આ સિવાય તેણે 2016માં શારજાહમાં અફઘાનિસ્તાન સામે 100 રન પણ ઉમેર્યા હતા.આ મેચમાં ઝિમ્બાબ્વેનો સૌથી ખાસ રેકોર્ડ એ છે કે 119 રન એ ભારત સામે T20માં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે, જ્યારે તે ટીમની 5 વિકેટ 40 રનની અંદર પડી ગઈ હતી. અગાઉ, આયર્લેન્ડે ગયા વર્ષે માલાહાઇડ, ડબલિનમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, 31/5 થી 139/7 સુધી જઈને 108 રન ઉમેર્યા હતા.આ બીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ T20 ઈન્ટરનેશનલમાં ભારત સામે 150 રનનો આંકડો પાર કર્યો છે. અગાઉ 2016 માં, તેઓએ આ જ મેદાન પર 170/6નો સ્કોર કર્યો હતો અને માત્ર 2 રનથી જીત મેળવી હતી.

(5:37 PM IST)