<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

રોહિત શર્માએ હાંસલ કરી મોટી સિદ્ધિ, સેમીફાઈનલમાં બનાવ્યો આ રેકોર્ડ

રોહિતે અત્યાર સુધી 26 બોલમાં 6 ફોર ફટકારીને 37 રન બનાવ્યા ત્યારે એક મોટી સિદ્ધિ હાંસલ કરી; કેપ્ટન તરીકે 5000 રન પૂરા કર્યા

મુંબઈ : ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફોર્મમાં પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે 92 રન બનાવીને ખળભળાટ મચાવનાર રોહિત ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રોહિતે અત્યાર સુધી 26 બોલમાં 6 ફોર ફટકારીને 37 રન બનાવ્યા છે. આ સાથે તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. 

રોહિત શર્માએ કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5000 રન પૂરા કર્યા છે. આ સાથે તે એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સૌથી વધુ રન બનાવનાર ભારતીય કેપ્ટનોની યાદીમાં રોહિત પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલીનું નામ ટોચ પર છે.

    કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે 12883 રન બનાવ્યા છે. જ્યારે એમએસ ધોની બીજા સ્થાને છે. ધોનીએ 11207 રન બનાવ્યા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન 8095 રન સાથે ત્રીજા અને સૌરવ ગાંગુલી 7643 રન સાથે ચોથા સ્થાન પર છે. હવે આ યાદીમાં રોહિત શર્માનું નામ પણ જોડાઈ ગયું છે.

રોહિત શર્મા T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. અત્યાર સુધી તેણે 158 મેચમાં 140.77ની સ્ટ્રાઈક રેટ અને 32.32ની એવરેજથી 4202 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 31 અડધી સદી સામેલ છે. રોહિત બાદ પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બીજા નંબર પર છે. બાબરના નામે 123 મેચમાં 4145 રન છે. હવે બાબરે રોહિતને પછાડવા માટે થોડી રાહ જોવી પડશે કારણ કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સફર પૂરી થઈ ગઈ છે. વિરાટ કોહલી 4112 રન બનાવીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે. કોહલી આ વર્લ્ડ કપમાં ફ્લોપ સાબિત થયો છે. તેના બેટમાંથી રન બનાવવા મુશ્કેલ બની રહ્યા છે.

(12:00 AM IST)