<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સુરેન્‍દ્રનગર ધોળીધજા ડેમનું પાણીનું સ્‍તર ઘટયું: કમિશનર સહિતના અધિકારીઓ દોડી ગયા

ડેમમાં પાણી બંધ કરવામાં આવતા મહાનગરપાલિકાની ધોળીધજા ડેમમાં ઉભી કરેલ સિસ્‍ટમ સુધી પાણી ન પહોંચતા ચિંતામાં મુકાયા અધિકારીઓ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: સુરેન્‍દ્રનગર વઢવાણ જોરાવનગર સહિતના વિસ્‍તારોને પીવાનું પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ની પાણીની સપાટીમાં સતત ઘટાડો થયો છે ત્‍યારે સુરેન્‍દ્રનગરનો મુખ્‍ય પાણીનોસ્ત્રોત ગણાતો ધોળીધજા ડેમ હવે ધીમેધીમે ખાલી થવા લાગ્‍યો છે અને તેના તળિયા દેખાઈ રહ્યા છે ત્‍યારે ખાસ કરીને ઢાંકી પંપિંગ સ્‍ટેશનથી નર્મદાની કેનાલનું સુરેન્‍દ્રનગર સુધીનું રીપેરીંગ કરવામાં આવતું હોવાના કારણે કેનાલમાં પાણી છોડી શકાતું નથી જેને લઇને ડેમમાં પણ પાણી ઠાલવવામાં આવતું નથી બીજી તરફ બીજી તરફ સૌની યોજના અંતર્ગત આ ડેમમાંથી પાણીની પાઇપલાઇનનો નેટવર્ક સૌરાષ્‍ટ્ર ભરમાં ઊભું કરવામાં આવ્‍યું છે અને ત્‍યાં સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

જેને લઈને હાલના તબક્કામાં તાત્‍કાલિક ડેમની અંદર નવી સિસ્‍ટમ અપગ્રેડ કરવા અંગેની તજવીજ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે તાત્‍કાલિક નવી મોટરો મૂકી અને તેનું જોડાણ શહેરી વિસ્‍તારમાં પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનઓમાં આપવામાં આવે અને ડેમની વચ્‍ચોવચ પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવી અને ડેમનું પાણી પાણીની ટાંકી સુધી પહોંચે તે પ્રકારની કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.

જોકે આ અંગે તાત્‍કાલિક ધોરણે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાનાનવનિયુક્‍ત કમિશનર જે કે જાદવ પણ દોડી ગયા હતા અને ડેમની મુલાકાત કરવામાં આવી હતી ત્‍યારે ડેમની અંદરના ભાગે જે મોટર લગાવવામાં આવી છે ત્‍યાં સુધી પાણી ન પહોંચતા હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે હવે ડેમની આગળના ભાગે આ પીવાનું પાણી ખેંચતી મોટર અને સિસ્‍ટમ લઈ જવામાં આવે અને શહેરી વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યા ન સર્જાય તેની તકેદારી રાખવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી હાલના તબક્કામાં સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં ત્રણ દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે ત્‍યારે બીજી તરફ હવે ડેમમાં પાણી ન હોવાના કારણે ૩૦ તારીખ સુધી ચાલે તેટલું પાણી છે.

ત્‍યારે આ અંગે સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તાત્‍કાલિક ધોરણે નર્મદા વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે પણ બેઠક યોજવામાં આવશે અને ૧ જૂન સુધીમાં તાત્‍કાલિક નર્મદાની કેનાલો ચાલુ કરી અને ધોળી ધજા ડેમ પાણીથી ભરવામાં આવે તે અંગેની માંગણી મૂકવામાં આવશે હાલના તબક્કામાં ડેમની જળ સપાટી ૧૧ ફૂટ સુધી પહોંચી ગઈ છે જેને લઈને આજુબાજુના ગ્રામીણ વિસ્‍તારના લોકોને પણ પીવાના પાણી મળી રહ્યા નથી અને હાલાકી ભોગવવી પડી રહી છે.

 

(1:23 PM IST)