<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

ઉપરવાસમાં વરસાદ ધીમો પડતાં મોરબીના મચ્છુ-૨ ડેમમાં પાણીની આવક ઘટી : ૧૬ પૈકી ૧૨ દરવાજા બંધ કરાયા

સાંજે ૬ વાગ્યા બાદ આવક ૧.૦૨ લાખ ક્યુસેકથી ઘટીને ૨૬ હજાર ક્યુસેક થઈ : હાલ માત્ર ૪ દરવાજા ૧૦ ફૂટ ખુલ્લા રાખી ૨૫,૪૩૬ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક અને ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં સાંજે પાણીની આવક અધધધ ૧.૦૨ લાખ ક્યુસેકે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ડેમના તમામ ૧૬ દરવાજા ૧૦ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. જોકે, રાત્રે ૮:૩૦ વાગ્યાની સ્થિતિએ ઉપરવાસમાંથી પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં વહીવટી તંત્ર દ્વારા ૧૨ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ માત્ર ૪ દરવાજા જ ૧૦ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

 

ડેમની સાંપ્રત સ્થિતિ વિશેની પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ મચ્છુ-૨ ડેમની સપાટી ૫૭.૩૦ મીટરે પહોંચી છે તેમજ ડેમમાં પાણીની ઊંડાઈ ૧૦.૦૬ મીટર નોંધાઈ છે. આ સાથે ડેમનું ગ્રોસ સ્ટોરેજ ૩૧૦૪.૪ mcft અને લાઈવ સ્ટોરેજ ૨૯૭૦.૦૬ mcft પર પહોંચી ગયું છે. ડેમ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ મીમી વરસાદ ખાબક્યો છે, જ્યારે આ સિઝનનો કુલ વરસાદ ૪૩૩ મીમી નોંધાઈ ચૂક્યો છે.

 

હાલ ઉપરવાસમાંથી ૨૬,૦૧૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમની સુરક્ષિત સપાટી જાળવી રાખવા માટે નદીમાં ૨૫,૪૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે સૌની યોજના અંતર્ગત ૫૮૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ રાખવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મચ્છુ-૨ ડેમમાંથી કુલ ૫૦.૧૧ mcft પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

 

મચ્છુ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ વહી રહ્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં ન જવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે કડક અપીલ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ડેમની પરિસ્થિતિ પર સતત બારીક નજર રાખવામાં આવી રહી છે અને ઈનફ્લો-આઉટફ્લોનું બેલેન્સ જાળવવા માટે ચોવીસે કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

(9:42 PM IST)