<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : બગસરા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: જૂની સાતલડી નદીમાં ઘોડાપુર: લાઠીમાં વરસાદી માહોલ

માવ ઝીંઝવા ગામે માત્ર આઠ મહિના પહેલા જ બનેલા નવા પુલની સાઈડનું ધોવાણ થઈ ગયું

અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોર બાદ આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે દિવસ દરમિયાન અનુભવાતી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી પશુ-પક્ષીઓ અને મનુષ્યોએ હાશકારો અનુભવ્યો છે.

લાઠી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અચાનક બદલાયેલા વાતાવરણને પગલે શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ હતી. લોકો ગરમીથી બચવા માટે વરસાદનો આનંદ માણતા નજરે પડ્યા હતા, જ્યારે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી.

બીજી તરફ, અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદ નોંધાયો હતો. બગસરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતા નદી-નાળા જીવંત થયા છે. ખાસ કરીને બગસરાના માવ ઝીંઝવા ગામ પાસેથી પસાર થતી જૂની સાતલડી નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘોડાપુર આવ્યું હતું. નદીના પાણી ગાંડાતૂર બનીને વહેવા લાગતા આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ વરસાદી કહેરમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે. માવ ઝીંઝવા ગામે માત્ર આઠ મહિના પહેલા જ બનેલા નવા પુલની સાઈડનું ધોવાણ થઈ ગયું હતું. પ્રથમ સારા વરસાદમાં જ પુલની આવી ખરાબ હાલત થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રસ્તો બંધ થઈ જવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક તંત્રના અધિકારીઓને ફોન દ્વારા રજુઆત કરી રસ્તો પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા કામો પ્રથમ વરસાદમાં જ કેમ ધોવાઈ જાય છે.

(7:36 PM IST)