<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

જૂનાગઢની ગીરીરાજ સોસાયટી વિસ્‍તારમાં વૃદ્ધાની ઘૃણાસ્‍પદ હત્‍યાના અનડિટેક્‍ટ ગુનાને ગણતરીના દિવસોમાં ડિટેક્‍ટ કરતી ક્રાઇમ બ્રાન્‍ચ

૧૨ મેના રોજ થયેલી સુનિતાબેન રામજાણીની હત્‍યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદીનો મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી જ નીકળ્‍યો હત્‍યારો, રૂપિયાની લાલચમાં તિક્ષ્ણ હથિયારથી ગળું કાપી હત્‍યા કરી હતી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૭: જૂનાગઢના ગીરીરાજ મેઈન રોડ, ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય વળદ્ધા સુનિતાબેન રમેશભાઈ રામજાણીની ઘરમાં ઘૂસીને કરાયેલી ઘૃણાસ્‍પદ હત્‍યાનો ભેદ ક્રાઇમ બ્રાન્‍ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્‍યો છે. પોલીસે આ કેસમાં ફરિયાદીના જ મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણીની ધરપકડ કરી છે. આરોપીએ રૂપિયાની લાલચમાં હત્‍યા કરી હોવાની કબૂલાત કરી છે.

તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે ૧૯:૦૦ થી ૨૧:૧૫ દરમિયાન સુનિતાબેન પોતાના મકાનમાં એકલા હતા ત્‍યારે અજાણ્‍યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગળું કાપી નાખ્‍યું હતું. ગંભીર ઈજાના કારણે તેમનું મોત નિપજ્‍યું હતું. આ અંગે તા. ૧૩/૦૫/૨૦૨૬ના રોજ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૩૩૨(એ) તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ થયો હતો.

ગુનાની ગંભીરતા ધ્‍યાને લઈ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઈ કે.એમ. પટેલ અને બી ડિવીઝન પીઆઈ એ.બી. ચૌધરીની અલગ અલગ ટીમો બનાવાઈ હતી.

ટીમોએ હ્યુમન સોર્સ, ટેકનિકલ એનાલિસિસ, CCTV ફૂટેજ, ડ્રોનથી એરિયલ વ્‍યૂમેપ અને આસપાસના શકમંદોની પૂછપરછ દ્વારા તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ફરિયાદીનો મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી શંકાના દાયરામાં આવ્‍યો. સબળ પુરાવા મળતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્‍યો હતો.

આરોપીએ કબૂલ્‍યું કે રૂપિયાની લાલચમાં તેણે હત્‍યા કરી હતી. હત્‍યા બાદ પોતે નિર્દોષ હોવાનો ડોળ કરવા માટે તે ઘટના સ્‍થળે ગયો, મરણજનારની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યો અને પોલીસની ગતિવિધિ પર નજર રાખતો હતો.

સુરેશ ઉર્ફે કાનો વાઘુભાઈ ચંદનદાસ વાઘવાણી, ઉં.વ. ૩૮, ધંધોઃ ટીફીન સર્વિસ  રહે. ‘શિવ શક્‍તિ', અંબિકા સોસાયટી, સાઈબાબા એપાર્ટમેન્‍ટની સામે, નાથાભાઈ મોરીના મકાનમાં ભાડેથી, ગીરીરાજ મેઈન રોડ, જૂનાગઢ.  આરોપીને રાઉન્‍ડઅપ કરી વધુ કાર્યવાહી માટે બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યો છે.

આ કેસ ડિટેક્‍ટ કરવામાં નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યા, પીઆઈ કે.એમ. પટેલ, પીઆઈ એ.બી. ચૌધરી સહિત ક્રાઇમ બ્રાન્‍ચ અને બી ડિવીઝનના અનેક પોલીસ કર્મચારીઓએ રાત-દિવસ મહેનત કરી હતી.(તસ્‍વીરઃમુકેશ વાઘેલા-જુનાગઢ)(

(11:23 AM IST)