News of Tuesday, 24th November 2026
મોરબીના કેરાળી ગામે જમીન પચાવી પાડવા બે શખ્સોએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી.
ખેતર જોવા ગયેલા પરિવારને ગાળો ભાંડી કબજો કરવાની ધમકી, 112 હેલ્પલાઈન પર ફોન કરતા પોલીસને જોઈ આરોપીઓ ફરાર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી તાલુકાના કેરાળી ગામે વેચાતી લીધેલી ખેતીની જમીન પચાવી પાડવાના ઇરાદે બે શખ્સોએ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી-2 ની આશાપાર્ક સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ. 33) ના પિતાએ ગત તા. 07/04/2026 ના રોજ કેરાળી ગામે સર્વે નં. 9 વાળી ખેતીની જમીન બીજલભાઈ હમીરભાઈ ગમારા પાસેથી ખરીદી હતી.
ગત તા. 23/11/2026 ના રોજ બપોરે બે થી અઢી વાગ્યાના અરસામાં ભગીરથસિંહ પોતાના પત્ની, નાના ભાઈ સત્યજીતસિંહ અને બાળકો સાથે ખેતરની ચકાસણી કરવા ગયા હતા, ત્યારે કેરાળી ગામના અરજણભાઈ લક્ષમણભાઈ ચાવડીયા અને નવઘણભાઈ રાજુભાઈ ચાવડીયા મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા અને તેમના પત્નીને અપશબ્દો બોલી જમીન ખાલી કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દેકારો થતાં બંને ભાઈઓ દોડી આવ્યા હતા અને જમીન ખરીદ્યાના સાત-બારના કાગળો બતાવ્યા હોવા છતાં બંને આરોપીઓએ 'કાગળિયા જે પણ હોય, આ જમીન અમે પચાવી પાડવાના છીએ' તેમ કહી લાકડાના ધોકા બતાવી ગાળો ભાંડી હતી તેમજ ફોન કરીને લાકડી-ધોકા જેવા હથિયારો સાથે અન્ય દસેક અજાણ્યા શખ્સોને બોલાવી ખેતરની બહાર નીકળતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ગભરાયેલા પરિવારે 112 હેલ્પલાઈન પર ફોન કરતા થોડીવારમાં પોલીસની ગાડી આવી પહોંચી હતી, જેને જોઈને તમામ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ બનાવ અંગે તા. 24/11/2026 ના રોજ ભગીરથસિંહ રાઠોડે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(3), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર નાગદાનભાઈ મિયાત્રાને સોંપી છે
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
