News of Tuesday, 6th October 2026
કેશોદના રંગપર પાસે હોન્ડા અને રિક્ષાના અકસ્માતમાં કાલવાણીના બે મિત્રો ભરતભાઇ અને વિનુભાઇના મોત
મજૂરી કામની શોધમાં નીકળ્યા અને અકસ્માત નડયોઃ રાજકોટમાં બંનેએ દમ તોડયો : સારવાર માટે કેશોદ, જુનાગઢ બાદ રાજકોટ ખસેડાયા પણ બંનેએ વારાફરતી દમ તોડી દીધોઃ દેવીપૂજક પરિવારોમાં શોક

રાજકોટ તા. ૬: કેશોદના રંગપર ગામ નજીક હોન્ડા અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા હોન્ડાસવાર કાલવાણી ગામના બે મિત્રોના ગંભીર ઇજા થવાથી મોત થયા છે. બંનેને પ્રથમ કેશોદ હોસ્પિટલમાં, ત્યાંથી જુનાગઢ અને બાદમાં રાજકોટ ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન બંનેએ વારાફરતી દમ તોડી દેતાં દેવીપૂજક પરિવારોમાં ગમગીની વ્યાપી ગઇ છે. મજૂરી કામની શોધમાં અને કામ બાબતે વાત કરવા માટે બંને નીકળ્યા હતાં ત્યારે આ બનાવ બન્યાનું સગાએ કહ્યું હતું.
જાણવા મળ્યા મુજબ કેશોદના કાલવાણી ગામમાં રહેતાં ભરતભાઇ ગોરધનભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાન ગત સાંજે ચારેક વાગ્યે પોતાના બાઇકમાં મિત્ર કાલવાણીમાં જ રહેતાં વિનુભાઇ સવજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)ને બેસાડીને નજીકના રંગપર ગામ પાસે મજૂરી કામ માટે વાત કરવા, કામ શોધવા જવા નીકળ્યા હતો. બંને મિત્રો રંગપર નજીક પહોંચ્યા ત્યારે રિક્ષાની ઠોકરે હોન્ડા ચડી જતાં બંને રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇ પરિચીતે જાણ કરતાં બંનેના કાલવાણી ગામે રહેતાં પરિવારજનોને જાણ કરાઇ હતી. સારવાર માટે કેશોદ હોસ્પિટલમાં અને ત્યાંથી જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે ભરતભાઇનું મૃત્યુ થયું હતું. આ પછી સવારે તેના મિત્ર વિનુભાઇએ પણ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ભરતભાઇ ચાર ભાઇ અને છ બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે દિકરા છે. જ્યારે વિનુભાઇ ચાર ત્રણ ભાઇમાં મોટા હતાં અને ખેત મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં એક દિકરો અને ચાર દિકરી છે. આમ બંનેના મોતથી તેમના સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો. કેશોદ પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
