<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મેણ ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણઃ છરી, લોખંડના પાઇપ અને બેલ્ટ વડે હુમલા, સંખ્યાબંધ યુવકો ઘવાયા: રાકેશ લાખા ભાઈ ગોરડિયા અને મોહિત ભરતભાઈ વાળાએ સામસામે ફરિયાદ નોંધાવી છે

ત્રણ દિવસ પહેલાંની બોલાચાલીનું મનદુઃખ રાખી બે જૂથો સામસામે આવી ગયાઃ બંને પક્ષે પોલીસ ફરિયાદઃ ચાર દિવસ પહેલાં મહિલા પર દાતરડા વડે હુમલાની ઘટના બાદ ફરી હિંસક બનાવથી ચકચાર

ઉના, તા. ૮: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મેણ ગામે જૂની અદાવતના કારણે બે જૂથો વચ્ચે છરી, લોખંડના પાઇપ અને લોખંડના બકલવાળા બેલ્ટ વડે લોહિયાળ મારામારી થતાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષના ઈજાગ્રસ્તોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ પહેલાં મજાકમસ્તી દરમિયાન થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આ મારામારી થઈ હોવાનું બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ મેણ ગામના સ્ટેશન વિસ્તારમાં ભડીયાદર ગામ તરફ જતા રસ્તા પાસે રાત્રિના આશરે ૯થી ૯:૩૦ વાગ્યાના અરસામાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. પ્રથમ ફરિયાદી રાકેશભાઈ લાખાભાઈ ગોરડિયા (ઉં.વ. ૨૩)ના જણાવ્યા મુજબ તેઓ મિત્રો સાથે ચાચકવડ ગામે માંડવામાં જવા માટે ઊભા હતા ત્યારે મોહિતભાઈ વાળા, રોહિતભાઈ વાળા અને અશ્વિનભાઈ વાળા સહિતના શખસોએ આવી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય શખસો પણ મારામારીમાં જોડાયા હોવાનો આક્ષેપ કરાયો છે.

 

ફરિયાદ મુજબ લાલજીભાઈ ડાભીએ રાકેશભાઈ ગોરડિયાને કમરના ભાગે છરીનો ઘા માર્યો હતો, જ્યારે વજીરભાઈ નાયાને લોખંડના પાઇપ વડે માથામાં અને નિખિલભાઈ કવાને લોખંડના બકલવાળા બેલ્ટ વડે કાનના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.

 

બીજી તરફ મોહિતભાઈ ભરતભાઈ વાળા (ઉં.વ. ૨૧)એ નોંધાવેલી સામી ફરિયાદમાં રાકેશભાઈ ગોરડિયા સહિતના યુવકોએ બોલાચાલી બાદ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ રાકેશભાઈએ છરી વડે મોહિતભાઈના ડાબા હાથની આંગળી પર હુમલો કર્યો હતો, જ્યારે પ્રકાશભાઈ વાળાને પણ આંગળીના ભાગે છરી વાગતાં ઈજા પહોંચી હતી. બંનેને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

 

ઉલ્લેખનીય છે કે મેણ ગામમાં ચાર દિવસ પહેલાં જ એક મહિલા ઉપર તેમના કૌટુંબિક દિયરે દાતરડા વડે હુમલો કરતાં મહિલા ગંભીર રીતે ઘવાઈ હતી અને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવી હતી. આ ઘટનાની ચર્ચા હજુ શમી નથી ત્યાં ફરી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારી આવી ઘટનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

 

આ બનાવ અંગે ઉના પોલીસ મથકમાં બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયો છે.( નવીનભાઈ જે. જોશી અકિલા, ઉના દ્વારા)

(4:08 PM IST)