News of Thursday, 7th May 2026
જામનગરના શાપરમાં પ્રેમ લગ્ન કરનાર ટ્રક ડ્રાઇવર પર સસરા અને કાકાજી સસરાનો જીવલેણ હુમલો, યુવાન ગંભીર
પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવાનો ખાર રાખી સ્કૂલ પાસે રોકીને કરાયો હુમલો, ગામમાં દેખાતો નહિ, નહિતર પતી જઈશ તેવી આપી ધમકી, GG હોસ્પિટલમાં સારવાર હેઠળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૭: શાપર ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિગ કરતા ૨૨ વર્ષીય સંજય હરેશભાઈ ભાંભીએ લગભગ છ મહિના પહેલા પોતાના સંબંધી હરેશભાઈ પરબતભાઈ રાઠોડની પુત્રી ૨૦ વર્ષીય સુહાની સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને સસરા પક્ષમાં મનદુઃખ હતું.
ગઈકાલે બપોરના સમયે સંજય પોતાના ફઈના દીકરા અજય પરસોતમભાઈ પરમાર સાથે મોટરસાયકલ પર સિક્કા પાટીયા તરફ જઈ રહ્યો હતો. ગામની સ્કૂલ નજીક પહોંચતા પાછળથી જ્યુપીટર મોટરસાયકલ પર આવેલા સસરા હરેશભાઈ અને તેમના મોટાભાઈ ભગવાનજીભાઈએ બંનેને રોક્યા હતા. બાદમાં ભગવાનજીભાઈએ લાકડાનો ધોકો લઈને યુવાન પર હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ યુવાનને હાથ અને પગમાં માર મારતા તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ બંનેએ કકમળીને ઢીકા-પાટાથી બેફામ માર માર્યો હતો. વચ્ચે પડવા આવેલા અજયને પણ દૂર રહેવાની ધમકી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ ૅહવે પછી ગામમાં દેખાતો નહિ, નહિતર પતી જઈશૅ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત યુવાનને પહેલા સિક્કા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ હાથ, પગ અને શરીરના ભાગોમાં મૂઢ ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે પીડિત યુવાનની ફરિયાદના આધારે સિક્કા પોલીસે સસરા હરેશભાઈ તથા કાકાજી સસરા ભગવાનજીભાઈ સામે મારામારી અને ધમકી અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
