તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 18th April 2026
ખાંભાના ભૂંડણી ગામે નદીમાં ડૂબતાં બે સગા ભાઈઓના કરુણ મોતઃ માતા કપડાં ધોતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઇ
રુદ્ર અને પાર્થ મહિડા હોસ્પિટલમાં મળત જાહેરઃ માતા-પિતા સંતાનવિહોણા બનતાં પરિવારમાં આભ ફાટયું: ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ શોક વ્યક્ત કરી મદદ માટે ટીમ મોકલી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલીઃ તા.૧૮,અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે નદી કાંઠે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માતા કપડાં ધોવા માટે બે બાળકો સાથે નદીએ ગઈ હતી ત્યારે રમતાં-રમતાં બંને સગા ભાઈઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નિપજ્યું છે. હોસ્પિટલ લઈ જતાં બંનેને મળત જાહેર કરાતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી વિગત મુજબ ભૂંડણી ગામની નદી કાંઠે માતા કપડાં ધોઈ રહી હતી. દરમિયાન તેના બે પુત્રો રુદ્ર નાજાભાઈ મહીડા (ઉં. ૧૦) અને પાર્થ નાજાભાઈ મહીડા (ઉં. ૮) નદીમાં રમતા-રમતા પાણીમાં દૂર સુધી નીકળી ગયા હતા. અકસ્માતે બંને ઊંડા પાણીમાં ડૂબી જતાં માતાની નજર પડી હતી. માતાએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને બહાર કાઢયા હતા.બંને બાળકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને ભાઈઓને મળત જાહેર કર્યા હતા. એક સાથે બે દીકરાના મોતથી મહીડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ દુઃખદ ઘટનામાં મળત્યુ પામનાર રુદ્ર અને પાર્થ બંને માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. બંને પુત્રોના અકાળે મોતથી માતા-પિતા સંતાનવિહોણા બની ગયા છે અને સમગ્ર ગામમાં શોકમય માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ પણ તાત્કાલિક દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે, ‘ભૂંડણી ગામેથી ઘટનાના સમાચાર મળતા જ મેં રાજુલા હોસ્પિટલમાં ઝડપી વ્યવસ્થા માટે સૂચના આપી હતી. પરંતુ બંને બાળકોના મોત થયા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના. મારી ટીમને હોસ્પિટલમાં મોકલી છે અને પરિવારને શકય તમામ મદદ માટે સૂચના આપી છે.''
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
