<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

કેશોદ પાલિકાના નવા સુકાની અંગે છેલ્લે સુધી ટોપ સિક્રેટ !: કાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

કુલ ૩૬માંથી ૧૧ સદસ્‍યો જૂનાજોગી, ૨૫ નવા ચહેરાઃ પ્રથમ સામાન્‍ય સભામાં ભાગ લેવા સૌ ઉત્‍સુક, લોકોમાં ઉત્તેજના : અવઢવમાં જણાતા દાવેદારો પસંદગીના નામ સાથેનું ‘બંધ કવર' ખુલવાની પ્રતીક્ષામાં !: અનેક તર્ક - વિતર્ક સાથે જુદી જુદી ધારણાઓ...,અટકળો..., શકયતાઓ..., ચર્ચામાં કેન્‍દ્ર સ્‍થાને

(સંજય દેવાણી દ્વારા ) કેશોદ તા.૧૮: તાજેતરમાં યોજાયેલ સામાન્‍ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા ને લગભગ ૨૩ દિવસ બાદ આવતીકાલે બપોરે ત્રણ કલાકે પ્રાંત અધિકારીશ્રી ની અધ્‍યક્ષતામાં કેશોદ નગરપાલિકા ના સભા ખંડ મા મળનાર જનરલ બોર્ડની બેઠકમાં પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. એ સાથે જ ભાજપના નવા સૂત્ર ધારો નક્કી થઈ જશે.

જોકે, નગરપાલિકા ની સામાન્‍ય સભા મળવાને હવે માત્ર એક દિવસ જેવો સમય બાકી છે ત્‍યારે ભાજપના ‘‘નવા સુકાનીઓ'' અંગે છેલ્લે સુધી ટોપ સિક્રેટ અકબંધ રહેતા રાજકીય વર્તુળોમાં જુદી જુદી ધારણાઓ એ જોર પકડેલ છે. આ સ્‍થિતિ વચ્‍ચે ભાજપ ના પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડ દ્વારા હોદ્દેદારોના નામની પસંદગી સાથે મોકલવામાં આવેલ પ્રબંધ કવર પ્ર (મેન્‍ડેટ) ખુલવાની પ્રતીક્ષામાં પ્રમુખ - ઉપપ્રમુખ પદ ના દાવેદારો બેઠા હોવાનું જણાઈ રહ્યું છે ! આ સાથે લોકોમાં પણ ભારે ઉત્તેજના પ્રવર્તેલ છે.

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ત્રણ સંસ્‍થાઓની ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન પાંચ વર્ષની ની મુદત પૂર્ણ થતા ગત તારીખ ૨૬ ના રોજ ૯ વોર્ડ નું પ્રતિનિધિત્‍વ કરતી કેશોદ નગરપાલિકા ની ૩૬ બેઠક, ૫૩ ગામોનું ભૌગોલિક સીમાંકન ધરાવતી કેશોદ તાલુકા પંચાયત ની ૧૮ બેઠક તથા કેશોદ મતવિસ્‍તાર સાથે સંબંધ ધરાવતી જિલ્લા પંચાયતની ૪ બેઠક માટે સામાન્‍ય ચૂંટણી યોજવામાં આવેલ હતી.

ભાજપ પાસે ૩૩ સદસ્‍યો નું તથા કોંગ્રેસ પાસે ૩ સદસ્‍યોનુ સંખ્‍યા બળ છે.  સામાન્‍ય સભામાં પ્રમુખ - ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. જેમાં ૩૩ સદસ્‍યો ના સંખ્‍યા બળ ના આધારે ભાજપ સત્તારૂઢ થશે.

નવી બોડીમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદ બક્ષીપંચસ્ત્રી વર્ગ માટે આરક્ષિત હોય આ અંગે ભાજપના ઓબીસી વર્ગના કુલ પાંચ મહિલા પ્રતિનિધિઓ દાવેદાર છે. જેમાં વોર્ડ નંબર ૧ ના ભારતીબેન કામરીયા,વોર્ડ નંબર ૩ ના હેતલબેન માવદીયા, વોર્ડ નંબર ૫ ના પ્રતીક્ષાબેન દેવડીયા વોર્ડ, નંબર ૮ ના ચંદ્રિકાબેન ભોપાળા અને વોર્ડ નંબર ૯ ના દક્ષાબેન ભરડા ના નામો ચર્ચાય છે. જ્‍યારે ઉપપ્રમુખ પદ માટે સાતથી પણ વધુ નામો મજબૂત દાવેદારો તરીકે ચર્ચામાં છે.

નવા પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ ? એ અંગે નો નિર્ણય પ્રદેશ કક્ષાએથી ભાજપનું મોવડી મંડળ જ્ઞાતિકીય સમીકરણો સહિત જરૂરી વિવિધ પાસાઓ ને ધ્‍યાને લઈ ને લેતું હોય આ અંગે સ્‍થાનિક ભાજપના આગેવાનો પણ ‘‘મગનું નામ મરી'' પાડી શકતા નથી. આ સ્‍થિતિ વચ્‍ચે આવતીકાલે જનરલ બોર્ડ ની બેઠકમાં ‘‘બંધ કવર'' માથી પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે કોનું નામ નીકળશે તે અંગે ખુદ પ્રમુખ - ઉપપ્રમુખ પદ ના ખુદ દાવેદારો પણ અવઢવ મા જણાઈ રહ્યા છે.

આમ, અજ્ઞાત જણાઈ રહેલ પ્રમુખ, ઉપપ્રમુખ પદ ના દાવેદારો સહીત સ્‍થાનિક ભાજપ ના જવાબદાર સૂત્રો હાલ તો આ બાબત ને ‘‘ભર્યા નારીયેલ '' જેવી સ્‍થિતિ હોવાનું ગણાવી રહેલ છે ત્‍યારે ભાજપના આંતરિક વર્તુળો થી લઈ સામાન્‍ય લોકો સૌ કોઈ આ અંગે અનેક તર્ક - વિતર્ક સાથે જુદી જુદી ધારણાઓ..., અટકળો..., અને શકયતાઓ... ને કેન્‍દ્રમાં રાખી ચર્ચાઓ કરી રહ્યા છે.

૨૦૨૧ - '૨૬ વર્ષની પાંચ વર્ષ માટેની ટર્મ મા સત્તાવાર રીતે સદસ્‍ય તરીકે રહી ચૂકેલા ભાજપ ના ૯ તથા કોંગ્રેસ ના ૨ મળી કુલ ૧૧ પ્રતિનિધિઓ નવી બોડીમાં રીપીટ થયેલ છે. જેમાં વધુ એકવાર ચૂંટાયેલા જુના જોગીઓમાં ભાજપ ના વોર્ડ નંબર ૧ માંથી પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, વોર્ડ નંબર ૨ માંથી ગત ટર્મ માં કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશપ્રલ રજીયાબેન મહિડા,વોર્ડ નંબર ૩ માંથી હેતલબેન માવદીયા, નીતિનભાઈ ચિત્રોડા વોર્ડ નંબર ૪ માંથી પારુલ બેન દવે, વોર્ડ નંબર ૫ માંથી કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન અજયભાઈ કોટક ( હકાભાઇ), વોર્ડ વોર્ડ નંબર ૭ માંથી જલ્‍પાબેન ડોબરીયા, વોર્ડ નંબર ૮ માંથી મહેશભાઈ પરમાર તથા વોર્ડ નંબર ૯ માંથી નીરૂબેન કોડીયાતર તેમજ કોંગ્રેસના વોર્ડ નંબર ૨ માંથી પૂર્વ વિપક્ષ નેતા અજીતસિંહ વેગડ અને પૂર્વ પ્રમુખ અમીનભાઇ મહીડા નો સમાવેશ થાય છે. જ્‍યારે નવી ‘‘બોડી''મા સૌપ્રથમ વખત ચૂંટાયેલા ૨૫ જેટલા પ્રતિનિધિઓ શ્ન નવા ચહેરા શ્ન છે ત્‍યારે સૌ પ્રથમ વખત સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત રહી નગર સેવક કે નગર સેવિકા તરીકે નો કાર્યભાર સંભાળવા જઈ રહેલા ખાસ કરીને નવા ચૂંટાયેલા સદસ્‍યોમાં ઉત્‍સુકતા જોવા મળી રહેલ છે.

દરમિયાન પ્રાપ્ત માહિતી મુજબ તમામ દાવેદારો પોતાના રાજકીય કદ અને ક્ષમતા મુજબ પ્રમુખ - ઉપપ્રમુખ પદ મેળવવા માટે પોતાની તાકાત લગાવી રહ્યા છે. ભાજપના આગેવાનો પણ પોતાના સમર્થક ને હોદ્દો આપવા માટે છેલ્લી ની ઘડી સુધી કવાયતો ચાલુ રાખેલ હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે ભાજપ ના અગ્રણીઓ એ મૌન ધારણ કરી લીધું હોય તેમ આ અણિયારા સવાલનો જવાબ આપવો ન પડે તે માટે મોબાઈલ ફોન રિસીવ કરવાનું ટાળી રહ્યા હોવાનું જણાય રહેલ છે.

આ સ્‍થિતિ વચ્‍ચે ૨૦૨૬ ના વર્ષ ની નવી બોડી ના પ્રથમ અઢી વર્ષની ટર્મ ના સુકાનીઓ અંગેનું રહસ્‍ય ઘેરુ બની રહેલ છે. તાજેતરમાં યોજાયેલ સામાન્‍ય ચૂંટણી ની કસોટી માંથી હેમખેમ પાર ઉતર્યા બાદ મહત્‍વના હોદ્દા પર બેસવા ઇચ્‍છતા પ્રતિનિધિઓ પ્રવર્તમાન દ્વિતીય કસોટીનો સામનો કરી રહેલ હોવાનું જણાઈ રહેલ છે. ત્‍યારે સામાન્‍ય ચૂંટણી ના પરિણામો જાહેર થયા બાદ લગભગ છેલ્લા વીસેક દિવસ થી અવનવી ચર્ચાઓ વચ્‍ચે ચાલતા સસ્‍પેન્‍સનો આવતી કાલે અંત આવી જશે

(12:12 PM IST)