News of Friday, 17th April 2026
કાલથી પાલિતાણાના શ્રી કૈલાસ ટેકરી પર પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથાઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
સગાપરાધાર ઉપર આયોજનઃ શ્રી લાલગીરીબાપુના સાનિધ્યમાં પાલિતાણાથી નીકળશે ભવ્ય પોથીયાત્રા, ગણેશ-હનુમાન મંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે તા. ૧૮થી ૨૬ સુધી કથાનો લાભ; રાષ્ટ્રીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૭: ગોહિલવાડની ઐતિહાસિક ભૂમિ પર પાલિતાણા પાસેના રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શનિવાર તા. ૧૮ એપ્રિલથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને રામકથાનો પ્રારંભ થશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે યોજાનાર આ કથાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પ આયોજન સાથે યોજાતી આ કથા પ્રસંગે સમગ્ર પંથકમાં ભક્તિભાવ અને હરખનો માહોલ છે. શનિવારે કથાના પ્રારંભે પાલિતાણા નગરથી શ્રી લાલગીરીબાપુના સાનિધ્યમાં ભાવભેર ભવ્ય પોથીયાત્રા યોજાશે.
રવિવાર તા. ૨૬ એપ્રિલે પૂર્ણાહુતિ થનાર આ રામકથા દરમિયાન રવિવાર તા. ૧૯થી મંગળવાર તા. ૨૧ સુધી શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત અલગ અલગ યજમાનો દ્વારા લાભ લેવામાં આવશે.
આ કથા પ્રસંગે દ્વારકા શ્રી શારદાપીઠના બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિજી મહારાજ, શ્રી શરણાનંદજી મહારાજ, સ્વામી શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શ્રી શેરનાથજીબાપુ, શ્રી મુક્તાનંદબાપુ, આચાર્ય શ્રી લોકેશમુની સનાતનીજી, શ્રી દિલીપદાસજી મહારાજ અને શ્રી સંતોષદાસજી મહારાજ સહિત અનેક ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેશે.
સમગ્ર પંથકમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવો અને કાર્યકર્તાઓ સાથે ભાવિક શ્રોતાઓમાં ભાવ-શ્રદ્ધા સાથે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમ જયદેવભાઈ માંકડ (તલગાજરડા), મુકેશ પંડિત(ઈશ્વરીયા)ની યાદીમાં જણાવાયું છે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
