News of Thursday, 15th October 2026
જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ નવરાત્રી,સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટાઇગર શ્રોફે જોરદાર પર્ફોમન્સ બતાવ્યું
જામનગર સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવે સમગ્ર રાજ્યમાં ભારે આકર્ષણ અને ચર્ચા જગાડી

મુંબઈ,તા.૧૫: જામનગર સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવે સમગ્ર રાજ્યમાં ભારે આકર્ષણ અને ચર્ચા જગાડી છે. આ મહોત્સવમાં દરરોજ બોલિવૂડના દિગ્ગજ કલાકારો હાજરી આપીને ખેલૈયાઓના ઉત્સાહમાં ઓર વધારો કરી રહ્યા છે.નવરાત્રીના ચોથા નોરતે બોલિવૂડના જાણીતા એક્શન સ્ટાર અને ડાન્સિંગ સેન્સેશન ટાઇગર શ્રોફ તેમજ લોકપ્રિય અભિનેત્રી મૌની રોયે જામનગરમાં ખાસ હાજરી આપી હતી. રિલાયન્સની ટાઉનશિપમાં યોજાયેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટાઇગર શ્રોફ આકર્ષક બ્લેક કોસ્ચ્યુમમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા હતા. પોતાના હાઈ-એનર્જી ડાન્સ પર્ફોર્મન્સથી તેમણે ઉપસ્થિત તમામ દર્શકો અને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ સાથે જ મૌની રોયના ભવ્ય પર્ફોર્મન્સે પણ નવરાત્રીની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.ગઈકાલે રાત્રે મનોરંજન પૂરું પાડ્યા બાદ, આજે બપોરે ટાઇગર શ્રોફ રિલાયન્સ ગ્રીન્સથી વિમાન મથકે પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ મુંબઈ જવા માટે રવાના થયા હતા. વિમાન મથક પર રિલાયન્સના ઉચ્ચ અધિકારીઓ પણ તેમને વિદાય આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જામનગરની આ નવરાત્રીમાં માત્ર ટાઇગર શ્રોફ જ નહીં, પરંતુ અગાઉના દિવસોમાં પણ અનેક બોલિવૂડ હસ્તીઓ પધારી ચૂકી છે.
અભિનેતા વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, અભિનેત્રી તાપસી પન્નુ અને મલાઇકા અરોરા જેવા સ્ટાર્સે પણ રિલાયન્સ ગ્રીન્સના ગરબા ગ્રાઉન્ડ પર આવીને ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાવ્યો હતો.રિલાયન્સ દ્વારા કરવામાં આવેલું આ ભવ્ય અને વ્યવસ્થિત આયોજન જામનગરના લોકો માટે એક અદ્વુત યાદગાર અનુભવ બની રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ પણ ગુજરાતી સંસ્કૃતિ અને નવરાત્રીના આ મહાપર્વના રંગમાં રંગાઈને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
