<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ફોદાળા ડેમ પાઇપલાઇન લીકેજના સમારકામને કારણે પોરબંદરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે અસરગ્રસ્‍ત

તા.૨૪, ૨૫ અને ૨૬ મે ૨૦૨૬ દરમિયાન નાગરિકોને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા મહાનગરપાલિકાની અપીલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૫: પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફોદાળા ડેમની મુખ્‍ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તેની તાત્‍કાલિક મરામત અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પાઇપલાઇનમાં થયેલા લીકેજને કારણે પાણીનો વ્‍યાપક બગાડ થતો હોવા સાથે પાણી પુરવઠા વ્‍યવસ્‍થાને અસર પહોંચતી હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત લીકેજ ધરાવતા ભાગને પાઇપલાઇનનું ખોદકામ, ક્ષતિગ્રસ્‍ત ભાગનું સમારકામ તેમજ જરૂરી ટેકનિકલ મેન્‍ટેનન્‍સ હાથ ધરવામાં આવશે. કામગીરી દરમિયાન ફોદાડા ડેમથી આવતો મુખ્‍ય પાણી પુરવઠો અસ્‍થાયી રીતે બંધ રાખવાની જરૂરિયાત ઉભી થતા પોરબંદર શહેરમાં આગામી તા. ૨૪, ૨૫ અને ૨૬ મે ૨૦૨૬ એમ ત્રણ દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો નહિવત રહેશે.

મહાનગરપાલિકાના વોટર વર્ક્‍સ વિભાગે નાગરિકોને કરકસરપૂર્વક ઉપયોગ પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વધુમાં વિભાગ દ્વારા જણાવાયું હતું કે સમારકામની કામગીરી શક્‍ય તેટલી વહેલી તકે પૂરી કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે. 

(9:58 AM IST)