News of Tuesday, 20th October 2026
કચ્છના સિદ્ધ યોગી શ્રી હાજલદાદા સમાધિ સ્થળે ત્રિદિવસીય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પારાયણ, હોમાત્મક યજ્ઞ અને ભવ્ય ભંડારા મહોત્સવનું આયોજન
ગાંધીધામ–કચ્છ ખાતે સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં યોજાનારા મહોત્સવને સફળ બનાવવા વિવિધ વ્યવસ્થા સમિતિઓની રચના કરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : શ્રી કચ્છ મચ્છોયા આહિર સમાજ તથા સમસ્ત સેવકગણ, ભારાપર જાગીર, ગાંધીધામ–કચ્છ દ્વારા સિદ્ધ યોગી શ્રી હાજલદાદા સમાધિ સ્થળે આયોજિત થનારા ત્રિદિવસીય શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ, ભવ્ય સંતવાણી અને ભવ્ય ભંડારા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠક શ્રી ૧૦૮ મહંત શ્રી ભરતરાજા ગુરુશ્રી દેવજીરાજા કાપડીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. બેઠકમાં મહોત્સવની ધાર્મિક ગરિમા જળવાઈ રહે, દેશભરમાંથી પધારનારા સંતો-મહંતો, મહાનુભાવો તથા શ્રદ્ધાળુઓને સુચારુ વ્યવસ્થા મળી રહે અને સમગ્ર આયોજન સેવાભાવ સાથે સફળ બને તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના મૂળ શ્લોકોનું પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ, ભવ્ય સંતવાણી તથા ભંડારાનું આયોજન કરવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવમાં મહંત યોગી આદિત્યનાથજી મહારાજ, શ્રી પીર યોગી બાલકનાથજી મહારાજ, જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી, શ્રી શ્રી ૧૦૦૮ મહાયોગી કૃષ્ણનાથજી મહારાજ, રમતા યોગેશ્વર જમાત-૧૯ના શ્રી મહંત કપુરીજી, પહાડી, હરિયાણા તથા શ્રી શ્રી ૧૦૦૮ મહંત યોગી સમુદ્રનાથજી મહારાજ, મહંત, ભજાના ખુર્દ, હરિયાણા સહિતના સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ રહેવાની છે.
આ બેઠકમાં મહોત્સવના સુચારુ સંચાલન માટે રસોડું અને ભોજન વ્યવસ્થા, ભોજન પીરસવાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, વાહનોના પાર્કિંગ, સ્વયંસેવકોની કામગીરી, સંતો-મહંતો તથા મહેમાનોના સ્વાગત-સત્કાર અને આમંત્રણ પત્રિકાની વ્યવસ્થા સહિત વિવિધ વિભાગોની સમિતિઓની રચના કરવામાં આવી હતી. દરેક સમિતિના સભ્યોને સોંપાયેલી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવીને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રામાભાઈ કાનગડ, શામજીભાઈ કાનગડ, શામજીભાઈ ટી. એમ. આહીર, વાશાભાઈ ચૈયા, નવીનભાઈ જરુ, વી. કે. હુંબલ, ઘેલાભાઈ ચાવડા, કચ્છ મચ્છોયા આહિર સમાજના મંત્રી કરશનભાઈ આહીર, ઘનજીભાઈ ચાવડા, નારણભાઈ ડાંગર, કચ્છ આહિર બોર્ડિંગના મંત્રી મનજીભાઈ આહિર, શંભુભાઈ મ્યાત્રા, રાઘુભાઈ ડાંગર, મેઘાભાઈ જરુ, ઘનજીભાઈ હુંબલ, બી. એન. આહિર સહિત સમાજના આગેવાનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના આગેવાનો તથા સેવકગણે આ પવિત્ર ધાર્મિક મહોત્સવને ભક્તિ, શ્રદ્ધા, સેવાભાવ અને સામૂહિક સહયોગથી ભવ્ય અને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ દ્વારા ધાર્મિક સંસ્કારો, સંતવાણી અને સમાજની એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવશે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
