News of Tuesday, 28th April 2026
ભગવાનને માનનારા ઘણા છે પણ ભગવાનનું માનનારા ઓછા છેઃ પૂ. અપૂર્વમુનિ સ્વામી
માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસે રાજકોટના અપૂર્વમુનિ સ્વામીનો અધ્યાત્મ સંદેશઃ પરમાત્માને ફરિયાદ ન કરો કે મારી પાસે મોટા પ્રશ્નો છે, પરંતુ પ્રશ્નોને કહો કે મારી પાસે મોટામાં મોટા પરમાત્મા છે, પછી મારે શું ચિંતા! : સાત હજારથી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં જુનાગઢમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરસિંહ મહેતા સરોવરે ગુંજ્યું અધ્યાત્મઃ ‘સાધનાથી સમજાય તે પરમાત્મા'નો બોધ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮: જૂનાગઢમા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવના તૃતીય અને અંતિમ દિવસે નરસિહ મહેતા સરોવરના કાંઠે, હવેલી વાડીમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સાત હજારથી વધુ માનવ મેદનીને પરમાત્મા છે તો પ્રશ્નો કેમ? બીજ વિચાર સાથે અધ્યાત્મપથની સાધના અને પ્રભુ સાક્ષાત્કારનો સરળ પથ સમજાવ્યો હતો. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું કે, “God gives toughest fight to his strongest soldier.” અર્થાત ભગવાન તેમના સૌથી મજબૂત સૈનિકને જ લોઢા જેવી લડતનો અવસર આપે છે. જેમ રણયુદ્ધમાં ભગવાન કૃષ્ણએ સૌથી કઠિનતમ લડતનો અવસર અડગ અર્જુનને આપ્યો.
સ્વામીજીએ કહ્યું કે માનવીને સાધનથી સમજાય તે વિજ્ઞાન છે અને સાધનાથી સમજાય તે પરમાત્મા છે. પરમાત્માને ફરિયાદ ન કરો કે મારી પાસે મોટા પ્રશ્નો છે, પરંતુ પ્રશ્નોને કહો કે મારી પાસે મોટામાં મોટા પરમાત્મા છે, પછી મારે શું ચિંતા! ભગવાનને માનનારા ઘણા છે પણ ભગવાનનું માનનારા ઓછા છે. જો પ્રહ્લાદ જેવા ભક્ત થઈએ તો ભગવાન રક્ષા કરે જ. લૌકિક સુખ માંગે તે ભક્ત નહીં અને તે જ આપે તે ભગવાન નહીં.
નાસ્તિકોને સંબોધતા સ્વામીજીએ આઇન્સ્ટાઇનને ટાંકીને કહ્યું કે, 'ભગવાનમાં ન માનવું તે માનવનું રાક્ષસીપણું છે.' જો શ્રદ્ધા હોય તો પાણી, પથ્થર કે પ્રતિમામાં પણ ભગવાન દેખાય. ભગવાનના સાક્ષાત્કાર માટે સાચા સંતની અનિવાર્યતા છે. શબરીની જેમ ગુરુના વચનમાં શ્રદ્ધા રાખી સેવા કરીએ તો પરમાત્મા મળે જ. જેમ ગૂગલ આ લોકમાં સાચા સરનામે પહોંચાડે છે, પરંતુ સાચા ગુરુ પરમાત્માના ધામ સુધી પહોંચાડે છે. આત્માની પરમાત્મા સુધીની યાત્રા એ જ માનવ ઉત્કર્ષ છે.
અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ 'સત્સંગ દીક્ષા' ગ્રંથશ્લોક મુખપાઠ કરનારા બાળ પંડિતોને મંચ પર બોલાવી નવાજ્યા હતા. સ્વામીજીએ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ અને પ્રચાર-પ્રસાર કરનારા તમામનો તેમજ જૂનાગઢની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે અવાર-નવાર સત્સંગનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. (તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
