News of Wednesday, 15th July 2026
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીને વીટીવી ન્યૂઝ હેલ્થ કોન્ક્લેવ અને એવોર્ડ ૨૦૨૬થી કરાઈ સન્માનિત
અમદાવાદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે હોસ્પિટલના વહીવટકર્તા ટ્રસ્ટીઓને એવોર્ડ એનાયત કરાયો : ગુજરાતની ઉત્કૃષ્ટ સેવા કરતી પાંચ હોસ્પિટલોમાં સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

ટીંબી:ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિ પોતાના નામે અંકિત કરી છે. હોસ્પિટલને પ્રતિષ્ઠિત વીટીવી ન્યૂઝ હેલ્થ કોન્ક્લેવ અને એવોર્ડ ૨૦૨૬થી સન્માનિત કરવામાં આવી છે, જે સમગ્ર પંથક અને સેવાભાવી ક્ષેત્ર માટે અતિ ગૌરવની બાબત છે.
તારીખ ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે આવેલી હોટેલ ક્રાઉન પ્લાઝામાં એક વિશેષ એવોર્ડ અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રાયોજિત સહયોગ (સ્પોન્સરશીપ) સાથે વીટીવી ન્યૂઝ, અભિયાન સાપ્તાહિક તથા સદભાવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ હેલ્થ કોન્ક્લેવ અને એવોર્ડ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીને સન્માનપત્ર અને એવોર્ડ અર્પણ કરાયો હતો.
આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને વરિષ્ઠ: અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ ગરિમામય એવોર્ડ ગુજરાત સરકારના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે હોસ્પિટલ વતી ઉપસ્થિત રહેલા વહીવટકર્તા ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સમગ્ર રાજ્યના તબીબી અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત અગ્રણી વિશિષ્ટ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યની માત્ર પાંચ શ્રેષ્ઠ હોસ્પિટલોમાં સ્થાન મેળવીને મેળવ્યું ગૌરવ:
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ માટેની પસંદગી પ્રક્રિયા અત્યંત કડક માપદંડોના આધારે કરવામાં આવી હતી. ગુજરાતભરમાંથી ટ્રસ્ટ સંચાલિત હોય અને સંપૂર્ણપણે સેવાભાવી રહીને આરોગ્ય ક્ષેત્રે નિઃસ્વાર્થભાવે ઉત્કૃષ્ટ કામગીરી કરતી હોય તેવી માત્ર પાંચ શ્રેષ્ઠ હોસ્પિટલોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઉચ્ચ પસંદગી યાદીમાં ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલે ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માનવતાવાદી અભિગમ સાથે ચાલતી આ સંસ્થાએ પોતાની અવિરત અને ગુણવત્તાસભર સેવાઓ થકી આ ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
