News of Sunday, 4th October 2026
સુરેન્દ્રનગરમાં મહિલા સુરક્ષા ધજાગરા: જિમના ચેન્જિંગ રૂમમાં મહિલાઓના ગુપ્ત વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરનાર સંચાલકની ધરપકડ
આરોપી અમીન યાસીન મુલતાનીના બંને જિમ પોલીસ દ્વારા સીલ; ૧૦૦થી વધુ પીડિતાઓને ટાર્ગેટ બનાવી બ્લેકમેઇલ કરવાનો સનસનાટીભર્યો ખુલાસો

સુરેન્દ્રનગર:ગુજરાતના સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને પ્રાઇવસી પર ગંભીર સવાલ ઊભા કરતી એક અત્યંત શરમજનક અને સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. શહેરમાં જિમ ચલાવતા એક સંચાલકે પોતાના જિમના લેડીઝ ચેન્જિંગ રૂમમાં ગુપ્ત કેમેરા ગોઠવીને આશરે ૧૦૦થી વધુ મહિલાઓના વિડીયો બનાવી લીધા હતા અને ત્યારબાદ તેમને બ્લેકમેઇલ કરવાનો કારસો રચ્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના જિમ સીલ કરી દીધા છે.
ગુપ્ત રીતે કેમેરા ગોઠવી વિડીયો ઉતાર્યા
પોલીસ તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, આરોપી અમીન યાસીન મુલતાની સુરેન્દ્રનગરમાં જિમ ચલાવતો હતો. તેણે જિમમાં આવતી મહિલાઓ અને યુવતીઓના ગુપ્ત વિડીયો રેકોર્ડ કરવા માટે ચેન્જિંગ રૂમમાં અત્યંત ચાલકીથી કેમેરા ગોઠવ્યા હતા. કસરત કરવા અને કપડાં બદલવા આવતી મહિલાઓને આ વાતની જાણ નહોતી. આરોપી આ વિડીયોનો ઉપયોગ મહિલાઓને બ્લેકમેઇલ કરવા અને ધમકાવવા માટે કરતો હતો.
પીડિતાની હિંમતથી કૌભાંડ બહાર આવ્યું
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક પીડિત મહિલાએ આરોપીના બ્લેકમેઇલિંગ અને ધમકીઓ સામે ઝૂકવાને બદલે હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ત્વરિત ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મોટી સંખ્યામાં આ પ્રકારના અશ્લીલ અને ગુપ્ત રીતે શૂટ કરાયેલા વિડીયો મળી આવ્યા હતા.
પોલીસની કડક કાર્યવાહી અને જિમ સીલ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર પોલીસે આરોપી અમીન યાસીન મુલતાનીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, ગુનાના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાયેલા આરોપીના બંને જિમ પર પોલીસે તાત્કાલિક અસરથી સીલ મારી દીધું છે.
સાયબર સેલ અને સ્થાનિક પોલીસ અત્યારે આરોપીના મોબાઇલ, લેપટોપ અને હાર્ડ ડ્રાઇવ સહિતના તમામ ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક (FSL) તપાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે આ વિડીયો અન્ય ક્યાંય શેર કે અપલોડ કરવામાં આવ્યા છે કે નહીં. આ ઘટનાને પગલે સમગ્ર સુરેન્દ્રનગર શહેર સહિત રાજ્યભરમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
