News of Tuesday, 17th November 2026
જુનાગઢ ગિરનાર પરિક્રમમાં પ્રથમવાર જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ માર્ગદર્શિકા, યાત્રા દરમિયાન કઈ ભૂલો ટાળવી?
૩૬ કિમીની પરિક્રમામાં ભારે બેગ, નવા બૂટ, ખોટો સમય અને પ્લાસ્ટિક લઈ જવાની ભૂલ ન કરતા, વૃદ્ધો-બાળકો-બીમાર લોકોએ જોખમ ન લેવું, સાધુ સમાજની પણ અપીલ

જૂનાગઢ તા.૧૭ : ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કરે છે, પણ જો તમે આ વર્ષે પ્રથમવાર જઈ રહ્યા હોવ તો આ માર્ગદર્શિકા ખાસ વાંચી લેજો. ૩૬ કિમીની આ યાત્રા ભક્તિ સાથે સાહસનો અનુભવ કરાવે છે, પણ નાની ભૂલ પણ યાત્રાને ભારે બનાવી શકે છે. આ વર્ષે ગિરનારમાં ઓછો વરસાદ થયો હોવાથી પાણીની અછતની શક્યતા છે, તેથી તૈયારી વધુ જરૂરી છે
સૌથી મોટી ભૂલ ભારે બેગ છે. માત્ર જરૂરી સામાન જ લો. સ્ટીલની પાણીની બોટલ, ટોર્ચ, પાવર બેંક, હળવો નાસ્તો, ORS, જરૂરી દવા, હળવી શાલ અને નાનો બેગ બસ. મોટી બેગ ૧૦ કિમી પછી બોજ બની જશે.
નવા બૂટમાં ૩૬ કિમી ચાલશો તો પગમાં ફોલ્લા પડશે. ૧૦-૧૫ દિવસ પહેલાથી પહેરેલા, આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ કે સેન્ડલ પહેરો. મોજા પહેરવા, જેથી ઠંડી અને ઘસારાથી બચી શકાય.
પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીથી મધરાતે કરો. બપોરના તડકામાં ચાલવાની ભૂલ ન કરો. રાત્રે જંગલમાં એકલા ન જતા, ગ્રુપમાં ચાલો. નિર્ધારિત માર્ગ છોડીને પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ન જવું. સિંહ સહિતના વન્યજીવોની અવરજવર રહે છે.
નદી-નાળાનું અશુદ્ધ પાણી ન પીવું. માત્ર ક્લોરીનેશન કરેલું શુદ્ધ પાણી પીવું. ખુલ્લામાં વેચાતું વાસી ફરસાણ, વાસી ફળ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવો. અન્નક્ષેત્રોમાં જ ભોજન લેવું.
આ વખતે પ્લાસ્ટિક લઈ જવું ભારે પડશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક થેલી, કપ, બોટલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ દંડ થઈ શકે છે. કચરો જંગલમાં ન ફેંકો.
ગિરનાર સાધુ સમાજે પણ અપીલ કરી છે કે બીમાર, અશક્ત, વૃદ્ધો અને બાળકોએ આ વર્ષે પરિક્રમામાં ન આવવું. હૃદયરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, શ્વાસની તકલીફ હોય તો જોખમ ન લો. અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગીરીએ પણ શારીરિક ક્ષમતા જોઈને જ જોડાવા કહ્યું છે.
આ વર્ષે જંગલમાં સૂકા પાંદડા વધુ છે. ધૂણા કે ચૂલા સળગાવતી વખતે ખાસ સાવચેતી રાખો. આગ લાગવાનું જોખમ છે.
જંગલમાં નેટવર્ક પેચી રહે છે. કેશ સાથે રાખો. જૂનાગઢ શહેર / ભવનાથ તળેટી એ છેલ્લું ATM છે. પરિવારને રૂટ અને સમય અગાઉથી જણાવીને જ નીકળો.
આરામદાયક બૂટ, ટોર્ચ, લાકડી, ગરમ કપડાં, કાનટોપી, જરૂરી દવાઓ, સ્ટીલની બોટલ, હળવો નાસ્તો અને ઓળખપત્ર.
ભવનાથ તળેટી - ઝીણા બાવાની મઢી (૧૨ કિમી) - માળવેલા (૮ કિમી) - બોરદેવી (૮ કિમી) - ભવનાથ (૮ કિમી). ફિટ લોકો ૧૦-૧૨ કલાકમાં પૂરી કરે છે, મોટાભાગના લોકો એક રાત રોકાણ કરે છે.
શ્રદ્ધા સાથે સાવચેતી રાખશો તો જ યાત્રા સફળ થશે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
