News of Wednesday, 6th May 2026
સોશિયલ મિડીયા પર સમાજના વિડીયો મુકવા મામલે બબાલઃ દીપકભાઇ ચુડાસમાના હાથ-પગ ભાંગી નંખાયા
ગોંડલના જામવાડી પાસે હોટલે બંને ચા-પાણી પીવા ઉભા ત્યારે હુમલો : હાલ સુરત રહેતાં દીપકભાઇને આજે સાવરકુંડલા કોર્ટની તારીખ હોઇ જસદણના ઇશ્વરીયા ગામે કુટુંબી ગોપાલના ઘરે આવ્યો હતોઃ અહિથી બંને સમાધાનની વાત કરવા ગોંડલ ગયા ત્યારે પાંચેક શખ્સો આવી તૂટી પડયાઃ વિરપુર રહેતાં શખ્સે હુમલો કરાવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૬: મુળ સાવરકુંડલાના વીજપડીના વતની અને હાલ સુરત રહી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને જેતપુરના વિરપુરમાં રહેતાં પોતાના જ સમાજના યુવાન સાથે સોશિયલ મિડીયામાં સમાજને લગતા વિડીયો મુકવા મામલે માથાકુટ ચાલતી હોઇ આ યુવાનને આજે સાવરકુંડલા કોર્ટમાં અગાઉની તારીખ હોઇ તે જસદણના ઇશ્વરીયા ગામે કુટુંબીના ઘરે આવ્યા બાદ વિરપુરના શખ્સ સાથે સમાધાનની વાત કરવા જામવાડી પાસે જતાં જેની સાથે વાત કરવાની હતી તે શખ્સને બદલે પાંચેક અજાણ્યા શખ્સોએ આવી ધોકાવાળી કરી આ યુવાનના હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. સાથેના કુટુંબી ભાઇને પણ ઇજા થતાં બંનેને રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ સુરત રહેતો મુળ વિજપડીનો વતની દીપકભાઇ ગોરધનભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦) અને જસદણના ઇશ્વરીયા ગામે રહેતો તેનો કુટુંબી ભાઇ ગોપાલભાઇ વિનુભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦) રાતે ગોંડલની જામવાડી ચોકડી નજીકની હોટલ પાસે ચા-પાણી પીવા ઉભા હતાં ત્યારે પાંચેક અજાણ્યા શખ્સોએ અચાનક ધોકા સાથે આવી હુમલો કરી દેતાં ગોપાલભાઇને પહેલા ઘા ફટકારતાં તે પડી ગયા બાદ દીપકભાઇ ઉપર આ શખ્સોએ હુમલો કરી બેફામ માર મારતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં આ હુમલાખોરો ભાગી ગયા હતાં. ઘાયલ થયેલા દીપકભાઇ અને ગોપાલભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ ગોપાલભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી અને દીપકભાઇને દાખલ કરાયા હતાં.
બનાવની જાણ થતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર સહિતે રાજકોટ પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ગોપાલભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે હુમલામાં તેના કુટુંબી ભાઇ દીપકભાઇ ચુડાસમાના બંને હાથ-પગ ભાંગી ગયા છે. દીપકભાઇ મુળ વીજપડીના વતની છે. હાલ તેઓ સુરત રહી ડ્રાઇવીંગ કરે છે. આજે બુધવારે દીપકભાઇને જુના કેસમાં સાવરકુંડલા કોર્ટમાં તારીખ હોવાથી તે ગઇકાલે સુરતથી ઇશ્વરીયા મારા ઘરે આવ્યા હતાં. આ દરમિયાન દીપકભાઇને વીરપુરના આર. સી. સોલંકી સાથે સોશિયલ મિડીયામાં પોતાના દેવીપૂજક સમાજને લગતાં વિડીયો મુકવા મામલે માથાકુટ ચાલતી હોઇ ચા-પાણી પી સમાધાન કરી લેવાનું નક્કી કર્યુ હતું.
આ પછી હું અને દીપકભાઇ કાર મારફત ગોંડલ ખાતે સમાધાનની વાત કરવા માટે ગયા હતાં. પરંતુ જેની સાથે વાત કરવાની હતી અને ચા-પાણી પીવાના હતાં તે ન આવતાં અમે કાર મારફત પાછા વળતાં હતાં. આ વખતે જામવાડી નજીક હોટલ પાસે ચા-પાણી પીવા ઉભા રહ્યાં ત્યાં અચાનક પાંચેક શખ્સો ધોકા સાથે ધસી આવ્યા હતાં. જેમાં મને પહેલા ફટકા મારતાં હું પડી ગયા બાદ દીપકભાઇ પર આ શખ્સો હુમલો કરી આડેધડ ઘા ફટકારી ભાગી ગયા હતાં. બાદમાં મેં દીપકભાઇને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ગોપાલભાઇએ કહ્યું હતું. ગોંડલ બી-ડિવીઝન પીએસઆઇ એસ. વી. ડાંગર અને ટીમે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી .
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
