<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ઉમરાળા તાલુકાના જાળિયા ગામે સત્સંગ, સંકીર્તન અને રાષ્ટ્રવંદના સાથે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ : શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને મોરારિબાપુના શુભકામના સંદેશ સાથે ધર્મપ્રેમીઓએ લીધો જ્ઞાનગંગાનો લ્હાવો : જુઓ વિડીયો

ભાઈબીજ પર્વથી શ્રી શિવકુંજ આશ્રમ ખાતે પોથીયાત્રા અને 'વંદે માતરમ્' ગાન સાથે કથાનો મંગલારંભ : સંતો-મહાનુભાવો અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં કથામહાત્મ્ય અને વિવિધ પ્રસંગોનું નિરૂપણ

ભાવનગર : ઉમરાળા તાલુકાના સંપીલા અને આસ્થાના કેન્દ્રસમા શિવકુંજ આશ્રમ સાથે જોડાયેલા જાળિયા ગામે નૂતન વર્ષના પાવન અવસરે ભક્તિભાવ અને રાષ્ટ્રભક્તિના અનોખા ત્રિવેણી સંગમ સમાન સત્સંગ, સંકીર્તન અને રાષ્ટ્રવંદનાત્મક શ્રીમદ્ ભાગવત કથાનો મંગલ પ્રારંભ થયો છે. શ્રી વિશ્વાનંદ માતાજીના દિવ્ય વ્યાસાસને આયોજિત આ જ્ઞાનયજ્ઞનો લાભ મેળવવા માટે ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા છે.

ભાઈબીજ પર્વ નિમિત્તે ભવ્ય પોથીયાત્રા અને રાષ્ટ્રવંદના:
બુધવાર એટલે કે ભાઈબીજ પર્વથી શરૂ થયેલી આ ભાગવત ભાગીરથી કથાના પ્રથમ દિવસે ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. કથાના પ્રારંભે અનોખી રાષ્ટ્રસેવા અને દેશભક્તિના ભાવ સાથે ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ્' નું ગાન કરીને રાષ્ટ્રવંદના કરી હતી. ત્યારબાદ સંતો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કથાગાનનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મોરારિબાપુ દ્વારા પાઠવવામાં આવેલા વિશેષ શુભકામના અને પ્રસન્નતાના સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું, જેનાથી ઉપસ્થિત શ્રોતાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધર્મસભાઓ
કથા મહોત્સવમાં શ્રી શ્રી રામભરતીબાપુ, શ્રી હબીબ માડી, શ્રી મહેશભાઈ ગઢવી તેમજ જાળેશ્વર મહાદેવ અને રામજી મંદિર પરિવારના સભ્યો સહિત અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે શ્રી નીતિનભાઈ માણિયા દ્વારા શાબ્દિક સ્વાગત અને આવકાર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી વિશ્વાનંદ માતાજીએ મધુર કથાગાન સાથે સંકીર્તન અને શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગોનું રસપાન કરાવ્યું હતું તથા કથાના મહાત્મ્યનું સુંદર વર્ણન કર્યું હતું.

આ આધ્યાત્મિક મહોત્સવમાં શ્રી આત્માનંદ સરસ્વતીજી દ્વારા સનાતન ચેતનાને ઉજાગર કરતું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી કરુણા માતાજી અને શ્રી વશરામબાપુ સહિતના પૂજ્ય સંતો પણ વિશેષરૂપે કથામાં જોડાઈને આશીર્વાદ પાઠવ્યા હતા. જાળિયા ગામના દાતાઓ, અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓના સહયોગ તથા સંકલનથી ચાલી રહેલા આ ભવ્ય આયોજનનો લાભ જાળિયા તેમજ આજુબાજુના તમામ ગ્રામજનો ભારે શ્રદ્ધા સાથે લઈ રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:56 PM IST)