<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

શ્રી હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામનું નામ લેતા અને કામ પણ કરતાઃ પૂ.મહાદેવપ્રસાદ મહેતા

માનવ દેહ વ્‍યસનમાં ન વેડફો, ધર્મના કાર્યોથી જીવન સુધારો : મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુનો સંદેશ : અયોધ્‍યાની પવિત્ર ધરા ઉપર મેંદરડાના ખાખીમઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુના સાનિધ્‍યમાં આયોજીત શ્રીરામકથાનો આઠમો દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: અયોધ્‍યાની પવિત્ર ધરા પરથી શ્રી રામ કથાનુ જુનાગઢ જિલ્લાના મેંદરડાના ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુના સાનિધ્‍યમાં કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને શ્રીરામ કથા નું ભવ્‍ય આયોજન કરાયું છે. જેનો કાલે આઠમો દિવસ હતો.

જુનાગઢ જિલ્લાના મેંદરડાના શ્રી ખાખી મઢી શ્રી રામજી મંદિર  આયોજિત શ્રી રામકથા મહોત્‍સવમાં ધમપ્રેમીઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ જોવા મળી હતી. કથાનું આયોજન મંદિરના મહામંડલેશ્વર પૂજ્‍ય સુખરામદાસ બાપુના સાનિધ્‍ય અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

કથામાં દેશના જાણીતા કથાકાર પૂ. મહાદેવ પ્રસાદ મહેતા વ્‍યાસપીઠ પરથી ભક્‍તોને રામચરિત્રનું રસપાન કરાવે છે. પૂ.મહાદેવ પ્રસાદ મહેતાએ પ્રવચનની શરૂઆતમાં જણાવ્‍યું કે વ્‍યાસપીઠ પ્રત્‍યે સાચો પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણ હોય તો જ કોઈ વ્‍યક્‍તિ કથાકાર તરીકે બેસવાને યોગ્‍ય બની શકે છે.તેમણે શિક્ષણનું મહત્‍વ સમજાવતા કહ્યું કે ‘‘શિક્ષણથી જ મનુષ્‍ય સમળદ્ધ, સક્ષમ અને સંસ્‍કારી બને છે. શિક્ષણ વિના જીવન અધૂરૂ છે.

ભગવાન શ્રીરામના પરમ ભક્‍ત હનુમાનજીનું ઉદાહરણ આપતા કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાએ કહ્યું કે શ્રી હનુમાનજી મહારાજ સતત ભગવાન શ્રી રામનું નામ લેતા હતા અને સાથોસાથ ભગવાન શ્રી રામનું કામ પણ કરતા હતા. એટલે કે નામસ્‍મરણ સાથે સેવા પણ જરૂરી છે.

કથાના આયોજક અને ખાખી મઢી શ્રી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્‍યું કે શ્રીરામ ભગવાન આપણા માટે પ્રાણથી પણ વધુ પ્‍યારા છે. તેમના આદર્શો પર ચાલવું એ જ સાચી ભક્‍તિ છે.તેમણે ખાસ કરીને યુવાનોને સંબોધતા કહ્યું કેઆ અમૂલ્‍ય માનવ દેહને વ્‍યસન જેવી કુટેવોથી વેડફો નહીં. આ જન્‍મ ફરી ફરી મળતો નથી. ધાર્મિક કાર્યોમાં જોડાઓ, સત્‍સંગ કરો અને તમારા માનવ જન્‍મને સાર્થક બનાવી લો.

સમગ્ર કથા દરમિયાન મંદિર પરિસર રામધૂન અને ભજનોથી ગુંજી ઉઠ્‍યું હતું. મોટી સંખ્‍યામાં મહિલાઓ, વડીલો અને યુવાનો કથાનો લાભ લેવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા. આયોજકો દ્વારા આવેલા તમામ ભક્‍તો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. શ્રી રામકથાનું લાઈવ પ્રસારણ કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની યુટયુબ ચેનલ ઉપર થઈ રહયું છે.(તસ્‍વીર : મુકેશ વાધેલા-જુનાગઢ)

(12:23 PM IST)