<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

પ્રેમપરા મહિલા હત્‍યાકાંડમાં ચોંકાવનારો ઘટસ્‍ફોટઃ અનૈતિક સંબંધોના અંતે કૌટુંબિક કાકાએ જ ભત્રીજીની ગળું કાપી કરી હત્‍યા, બાદમાં પોતે પીધી ઝેરી દવા

‘મને મારી નાખો, આપણે જીવવું નથી' - મૃતક ક મહિલાની વિનંતી પર કાકાએ ધારદાર હથિયારથી હત્‍યા કર્યાની આરોપીની ચોંકાવનારી કબૂલાતઃ પતિને આડા સંબંધોનો અણસાર હતો, પરંતુ કૌટુંબિક સગા હોવાથી ન કરાઈ શંકાઃ પુત્રના પ્રેમલગ્નના એક જ મહિનામાં ઘટેલી ઘટનાથી વિસાવદર પંથકમાં ચકચાર

(યાસીન બ્‍લોચ દ્વારા)  વિસાવદર તા.૨૬  :..  વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની સીમમાં ગઈકાલે બનેલી મહિલાની નિર્મમ હત્‍યાના કેસમાં પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. મહિલાની હત્‍યા અન્‍ય કોઈએ નહીં પરંતુ તેના જ કૌટુંબિક કાકા અરજણ ગોવિંદ પડેલીયાએ કરી હોવાનું સામે આવ્‍યું છે. હત્‍યા કર્યા બાદ આરોપીએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયો છે, જ્‍યાં તેની પૂછપરછ દરમિયાન આ આખી ઘટના પરથી પરદો ઊંચકાયો છે.

વિસાવદરના  પ્રેમપરાની સીમમાં આવેલી વાડીના મકાનમાંથી સુમિત્રાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહિલ (ઉ.વ. ૪૦)ની ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટના સંદર્ભે મૃતક કના પતિ ચંદ્રસિંહે કૌટુંબિક કાકા અરજણ પડેલીયા સામે શંકા દર્શાવી ફરિયાદ નોંધાવી હતી. હોસ્‍પિટલમાં સારવાર હેઠળ રહેલા અરજણની પોલીસે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેના અને સુમિત્રાબેન વચ્‍ચે અનૈતિક સંબંધો હતા.

 પોલીસ પૂછપરછમાં આરોપી અરજણે જણાવ્‍યું કે, બંને વચ્‍ચેના સંબંધો એવા તબક્કે પહોંચી ગયા હતા કે હવે તેઓ સાથે જીવી શકે તેમ નહોતા. આથી સુમિત્રાબેને પોતે જ કાકાને કહ્યું હતું કે, પોતાના જીવવાની કોઈ સંભાવના ન રહે તે માટે મારી હત્‍યા કરી દો. મહિલાના કહેવાથી અરજણે તીક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી હત્‍યા કરી નાખી હતી અને ત્‍યારબાદ પોતે પણ જિંદગી ટૂંકાવવાના ઈરાદે ઝેરી દવા પી લીધી હતી. 

 પતિને અણસાર હતો પણ સગા હોવાથી શંકા ન ગઈ મૃતક ક સુમિત્રાબેનના પતિને પોતાની પત્‍ની અને બાપુના મામાના દીકરા અરજણ વચ્‍ચેના આડા સંબંધો અંગે એકાદ-બે વાર જાણ થઈ હતી. પરંતુ અરજણ કૌટુંબિક કાકા થતા હોવાથી પરિવારમાં વધુ શંકા કરવામાં આવી નહોતી.

 ઉલ્લેખનીય છે કે, મૃતક ક સુમિત્રાબેનને બે યુવાન પુત્રો છે, જેમાંથી એક પુત્રએ માંડ એકાદ મહિના પહેલા જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ઘરમા ખુશીનો માહોલ હતો ત્‍યાં જ આ અનૈતિક સંબંધોના કારણે સર્જાયેલા ખૂની ખેલથી સમગ્ર વિસાવદર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. 

 દરમિયાન ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના જણાવ્‍યા મુજબ, હાલ આરોપી અરજણ પડેલીયા પોલીસ બંદોબસ્‍ત હેઠળ સારવાર હેઠળ છે. રિકવરી બાદ તુરંત તેની વિધિવત ધરપકડ કરી ઘટનાનું રિકન્‍સ્‍ટ્રક્‍શન સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

(12:11 PM IST)