News of Monday, 19th October 2026
કચ્છના મુંદરાને ધ્રુજાવતું SD PAY અને APNA PAYનું કૌભાંડ
૧૭૦ થી વધુ રોકાણકારો ફસાયા હોવાના આક્ષેપથી ખળભળાટ પોલીસને કરાયેલ ફરિયાદ અરજીમાં નામજોગ આક્ષેપ, ૯ ટકા માસિક વળતર અને ૩૦ ટકા કમિશનની લાલચ, રૂ. ૫.૫૦ લાખ ફસાયા હોવાની ફરિયાદ સાથે ૧૭૦થી વધુ લોકો આ ફ્રોડનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૯: દેશી એપ્લિકેશનના નામે વિદેશી પેમેન્ટ એપ્સને ટક્કર આપવાના દાવા અને ટૂંકા સમયમાં અધધ વળતર આપવાની લાલચ! પહેલા‘ SD PAY' અને ત્યારબાદ ‘APANA PAY' નામે ઓળખાતી એપ્લિકેશનમાં રોકાણ કરાવી મુંદરા અને આસપાસના વિસ્તારોના અનેક લોકોનાં નાણાં ફસાયા હોવાની આશંકા સાથે મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. મુંદરાના એક ગેસ એજન્સી સંચાલક પાસેથી રૂ. ૫.૫૦ લાખની કથિત ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અંગે મુંદરા સીટી પોલીસને લેખિત ફરિયાદ અરજી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં ૧૭૦થી વધુ લોકોનાં કરોડો રૂપિયા ફસાયા હોવાની આશંકાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે.
પોલીસને અપાયેલી અરજી મુજબ, મુંદરાના નવલખા બંગલા પાસે રહેતા ગેસ એજન્સી સંચાલક નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાની ઓક્ટોબર ૨૦૨૫માં સ્થાનિક હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પીંગલસુર સાથે મુલાકાત થઈ હતી. આ ત્રણેયે તેમને SD PAY એપ્લિકેશનમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. એપ્લિકેશનમાં મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને ટિકિટ બુકિંગ જેવી સુવિધાઓ હોવાનું જણાવી ગુગલ-પે અને ફોન-પે જેવી કંપનીઓને ટક્કર આપવાનો દાવો કરાયો હતો. સાથે જ દર મહિને આશરે ૯ ટકા કેશબેક અને વિવિધ સ્કીમ હેઠળ ૩૦ ટકા સુધી કમિશન મળવાની લાલચ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદીનો વિશ્વાસ જીતવા શરૂઆતમાં રૂ. ૧,૦૦૦નું રોકાણ કરાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ વધુ વળતરની લાલચ આપીને માર્ચ ૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તબક્કે રૂ. ૧.૫૦ લાખ, રૂ. ૨ લાખ અને રૂ. ૧.૫૦ લાખ મળી કુલ રૂ. ૫ લાખ રોકડા લેવામાં આવ્યા હતા. અગાઉના રૂ. ૧,૦૦૦ સહિત કુલ રોકાણ રૂ. ૫.૫૦ લાખ થયું હોવાનું અરજીમાં જણાવાયું છે. આ નાણાં આરોપીઓએ પોતાના આઈડી મારફતે ફરિયાદીના એપ્લિકેશન વોલેટમાં ડિજિટલ સ્વરૂપે ટ્રાન્સફર કર્યા હોવાનો પણ આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, જ્યારે નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના રોકાણના નાણાં પરત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શન થવાનું બંધ થઈ ગયું હતું. પૂછપરછ કરતાં એપ્લિકેશનમાં અપડેટનું કામ ચાલી રહ્યું છે અને થોડા દિવસમાં ફરી શરૂ થઈ જશે તેવા જવાબો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. માર્ચ ૨૦૨૬થી રિચાર્જ અને બિલ પેમેન્ટ સહિતની સુવિધાઓ પણ બંધ થઈ ગઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન ‘SD PAY'નું નામ બદલીને ‘APANA PAY' કરી દેવામાં આવ્યું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. જોકે, નામ બદલવા પાછળનો હેતુ શું હતો અને બંને નામ હેઠળની એપ્લિકેશનનું સંચાલન કોણ કરતું હતું, તે તપાસનો વિષય છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ઉપરાંત પરિતોષ ડાભી, મહેશ ગઢવી અને હર્ષ દેસાઈ સહિત અન્ય લોકોએ પણ પોતાના નાણાં પરત માગ્યાં હતાં. આક્ષેપ છે કે નાણાં પરત આપવાને બદલે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું અને કેટલાકના ફોન નંબર બ્લોક કરી દેવામાં આવ્યા હતા. વધુમાં, ફરિયાદમાં એવો ગંભીર આક્ષેપ પણ કરાયો છે કે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતાં જવાબદારોએ સામૂહિક આત્મહત્યા કરી ચિઠ્ઠીમાં ફરિયાદીઓનાં નામ લખી જવાની ધમકી આપી હતી. આ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાની લેખિત અરજીમાં સંતોષ પાઠક (સંચાલક તરીકે શિલવાસા-અમદાવાદનો ઉલ્લેખ), હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પીંગલસુર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. અરજી સાથે એપ્લિકેશનના સ્ક્રીનશોટ સહિતની વિગતો પણ પોલીસને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે સંબંધિત લોકોએ એકસંપ થઈ પૂર્વઆયોજિત રીતે નાણાકીય સ્કીમ ચલાવી લોકોને રોકાણ માટે પ્રેરિત કર્યા હતા. જોકે, આ તબક્કે આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને આરોપોની કાનૂની સત્યતા તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ જ નક્કી થશે.
આ સમગ્ર પ્રકરણમાં મુંદરા અને આસપાસના વિસ્તારોના ૧૭૦થી વધુ લોકો રોકાણકાર તરીકે જોડાયેલા હોવાની અને કરોડો રૂપિયાની રકમ ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભોગ બનનારાઓની ચોક્કસ સંખ્યા અને કુલ રકમ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. મુંદરા સીટી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. તપાસ દરમિયાન એપ્લિકેશનના સંચાલકો, નાણાકીય વ્યવહારો, રોકાણકારોની સંખ્યા અને નાણાં કયાં ગયા તે અંગેની વિગતો બહાર આવે તેવી શકયતા છે. ‘SD PAY'થી ‘APANA PAY' સુધીના આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસ તપાસ પર સૌની નજર મંડાઈ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
