તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Sunday, 28th June 2026
મરઘીના બચ્ચાનું ગેરકાયદે વેચાણનું કૌભાંડ પકડાયું
જીવા ફાઉન્ડેશન દ્વારા તમામ ૫૦૦૦ જેટલા નાના બચ્ચાઓને અન્ય મોટા બોક્સ અને પિંજરામાં સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા હતા

જામનગર : જામનગર શહેર અને આસપાસના પંથકમાં ગેરકાયદે અને ક્રૂરતાપૂર્વક મરઘીના બચ્ચાનું વેચાણ કરવાનું એક મોટું નેટવર્ક ઝડપાયું છે. પશ્ચિમ બંગાળથી આણંદ થઈને જામનગર લાવવામાં આવેલા આશરે ૫ હજાર જેટલા મરઘીના બચ્ચાઓને એનિમલ વેલ્ફેર સંસ્થાએ રેસ્ક્યૂ કરી લીધા છે. એક નાના બોક્સમાં ક્ષમતા કરતાં દસ ગણા બચ્ચાઓને પૂરીને રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ખોરાક-પાણી વિના ગુંગળાઈ રહ્યા હતા. જીવદયા પ્રેમીઓએ આ તમામ બચ્ચાઓને મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે મોકલ્યા છે, જ્યારે ગેરકાયદે વેચાણ કરતા બે પરપ્રાંતીય શખસોને સિટી બી. ડિવિઝન પોલીસના હવાલે કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના નવ જેટલા શખસો છેલ્લા ત્રણેક દિવસ પહેલાં આણંદથી મોટી સંખ્યામાં મરઘીના બચ્ચાઓને બોક્સમાં ભરીને જામનગર લાવ્યા હતા. તેઓ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં જાહેર રોડ પર માત્ર ૨૫ રૃપિયામાં એક બચ્ચું વેચી રહ્યા હોવાની બાતમી એનિમલ વેલ્ફેરની સંસ્થા 'જીવા ફાઉન્ડેશન' ને મળી હતી.
બાતમીના આધારે જામનગરની આ સંસ્થાના દીપેન પરમાર અને તૃપ્તિબેન દાવદરા મરઘીના બચ્ચા ખરીદવાના બહાને ગ્રાહક બનીને બેડેશ્વર વિસ્તારમાં પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે બોક્સમાં માત્ર ૫ બચ્ચા રાખી શકાય તેમાં આ શખસોએ ૫૦થી વધુ બચ્ચાઓને ખીચોખીચ ભર્યા હતા. બચ્ચાઓ ગુંગળાઈ જાય તેવી સ્થિતિમાં હતા અને તેમને ખોરાક કે પાણી પણ આપવામાં આવતું ન હતું. સૌપ્રથમ જીવદયા પ્રેમીઓએ વાતોમાં કેળવીને તેમની પાસેથી ૧૬૦ બચ્ચા ખરીદ્યા હતા અને ત્યારબાદ પોતાની ઓળખ આપીને આખું કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.જીવા ફાઉન્ડેશન દ્વારા તમામ ૫૦૦૦ જેટલા નાના બચ્ચાઓને અન્ય મોટા બોક્સ અને પિંજરામાં સલામત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા હતા. આ બચ્ચાઓને સૌપ્રથમ નવાગામ ઘેડ વિસ્તારમાં પક્ષીઓની આશ્રય વ્યવસ્થાના સ્થળે રાખવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦૦૦ મરઘીના બચ્ચાને કલ્યાણપુર નજીક ગણેશગઢમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાં ઉછેર માટે મોકલી દેવાયા છે, જ્યારે બાકીના ૩૦૦૦ બચ્ચાઓને પણ કલ્યાણપુર તરફ મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના અંગે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. જીવદયા પ્રેમીઓએ ગેરકાયદે વેચાણ કરનારા બે પરપ્રાંતીય શખસોને પકડીને પોલીસ મથકે સુપ્રત કર્યા છે, જેમની સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
પ્રાથમિક વિગતો મુજબ, આ નવ શખસોનું આખું નેટવર્ક જામનગરના જુદા જુદા વિસ્તારોથી લઈને છેક ખંભાળિયા સુધી ફેલાયેલું હતું. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ મામલે વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
