<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પુર્વે દિવ્ય વાઘા અને "મારા દાદાને મારી રાખડી" સાથે દેશ-વિદેશની હજારો બહેનો-દીકરીઓ દ્વારા મોકલાયેલી ૧ થી ૩ ફૂટની રાખડીઓથી સિંહાસનને દિવ્ય શણગાર

પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આયોજન : તમામ ભાવપૂર્ણ પત્રો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં અર્પણ કરાયા

રાજકોટ તા.૨૭ :       ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  દિવ્ય વાઘા અને  સિંહાસને હજારો બહેનોએ મોકલેલી રાખડીનો શણગાર કરાયો છે. આ ઉપરાંત હજારો બહેનોએ

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મોકલાવેલા પત્ર પણ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા સમક્ષ મૂક્યા હતા. સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારીસ્વામી  દ્વારા  કરવામાં આવી હતી.

વર્ષો પહેલાં લક્ષ્મીજીએ દાનવીર રાજા બલીને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા, ત્યારથી શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવવાની પરંપરા ચાલી આવે છે. રક્ષાબંધન પર્વ  નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ "મારા દાદાને મારી રાખડી" અંતર્ગત હનુમાનજી દાદા સદાય તેમની રક્ષા કરે તેવા પરમ ભાવ સમગ્ર દેશ અને વિદેશમાંથી હજારો બહેનો-દીકરીઓએ પ્રેમપૂર્વક ઘરે જ બનાવીને મોકલાયેલી હજારો રાખડીઓથી સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને   દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો તેમજ તમામ ભાવપૂર્ણ પત્રો સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ચરણોમાં અર્પણ કરાયા હતા. 

મહત્વનું છે કે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અર્પણ કરાયેલી રાખડીઓમાં આર્ટિફિશિયલ કેમિકલ, કાપડમાંથી બનાવેલી, ઉનમાંથી ગુથીને બનાવેલી, મોરપંખવાળી, બાણ આકારની બનાવેલી, કોડી અને મોતીથી બનાવેલી, ટોન ડેકોરેશન કરેલી,ફૂલવાળી, શ્રીરામના મુખ વાળી ડેકોરેશન, દાદાના ફોટા વાળી, ફુલ મોરપંખ વાળી, લાકડા માંથી બનાવેલી, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના પેન્ટિંગ વાળી, ઘૂઘરી વાળી, ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલી હનુમાન ચાલીસા લખેલી, ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, વગેરેના આકારની રાખડી, 3 ફુટ વાળી, 2 ફૂટ કેક ના આકાર વાળી,1.5 ફૂટ રામ ભગવાન ફોટા વાળી ,1.5 દાદા ના ફોટા વાળી,1 ફૂટ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના ફોટા વાળી રાખડીઓમાં  ભારે વૈવિધ્ય અને કલાત્મકતા જોવા મળી હતી દેશ-પરદેશ માંથી સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા માટે બહેનોએ હજારો રાખડી મોકલી છે.

(9:39 AM IST)