News of Sunday, 21st June 2026
ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં અમીછાંટણાથી રસ્તા ભીંજાયા
પ્રિ-મોન્સૂન ગતિવિધિના કારણે ભુજ તાલુકાના ગામોમાં ઝરમર વરસાદ; ઉકળાટ વચ્ચે ખેડૂતોમાં આશા જાગી

કચ્છ: જિલ્લામાં ચોમાસાના આગમનમાં વિલંબ વચ્ચે ભુજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે ઝરમર વરસાદ નોંધાયો હતો. પ્રિ-મોન્સૂન ગતિવિધિના ભાગરૂપે પડેલા આ હળવા વરસાદથી અનેક માર્ગો ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી.
જિલ્લાના અન્ય વિસ્તારોમાં સવારથી જ તડકો અને વાદળોની સંતાકૂકડી વચ્ચે ભારે બફારો અને ઉકળાટનો માહોલ યથાવત રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી કચ્છના વિવિધ વિસ્તારોમાં અમીછાંટણાં થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સારો વરસાદી માહોલ બંધાયો નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે જિલ્લામાં કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જોકે તાત્કાલિક ભારે વરસાદની શક્યતા ઓછી છે. હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે કંડલા એરપોર્ટ અને કંડલા પોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ભુજ શહેરમાં 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઊંચા ભેજના પ્રમાણને કારણે લોકો અકળામણ અનુભવી રહ્યા છે.
વાવણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ અમીછાંટણાં આશાનું કિરણ બની શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, જો આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે તો કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાની ગતિવિધિઓ વેગ પકડી શકે છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
