News of Saturday, 3rd October 2026
કાગવડના પાટીયે આર-વન બાઇક સ્લીપ થતાં વિરપુરના ૨૮ વર્ષિય યુવાન રોહિત જમોડનું મોત
ઓનલાઇન મંગાવેલા પેન્ટનું પાર્સલ લઇ જેતપુરથી પરત આવતી વખતે બનાવ : ગંભીર ઇજા થયા બાદ યુવાને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૩: જેતપુર વિરપુર વચ્ચે કાગવડના પાટીયા પાસે આર-વન બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી બાઇક ચાલક વિરપુરના ૨૮ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. યુવાન પોતે ઓનલાઇન પાર્સલ મંગાવ્યું હોઇ તે જેતપુરથી લઇને પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ વિરપુરના ભુલેશ્વરનગરમાં રહેતો રોહિતભાઇ ધીરૂભાઇ જમોડ-કોળી (ઉ.વ.૨૮) નામનો યુવાન ગઇકાલે કાગવડના પાટીયા પાસે આર-વન બાઇક હંકારીને જેતપુરથી વિરપુર તરફ આવતો હતો ત્યારે કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દીધો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં વિરપુર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રોહિતભાઇ બે ભાઇમાં નાનો હતો અને અપરિણીત હતો. તે છુટક ડ્રાઇવીંગ તેમજ અન્ય મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા ધીરૂભાઇ છત ભરાઇની મજૂરી કરે છે. સગાના કહેવા મુજબ રોહિતભાઇએ ઓનલાઇન પેન્ટ ખરીદ કર્યુ હતું. આ પાર્સલ જેતપુર ખાતે આવ્યું હોઇ પોતે ત્યાંથી પાર્સલ કલેક્ટ કરીને પરત વિરપુર આવી રહ્યો હતો ત્યારે કાગવડના પાટીયે આર-વન બાઇક સ્લીપ થતાં પોતે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
