News of Wednesday, 16th September 2026
સાવરકુંડલા-નાવલી નદીથી અમરેલી રોડ સુધીનો માર્ગ બિસ્માર
હલકી ગુણવત્તાના કામના આક્ષેપો છતાં તંત્ર દ્વારા તપાસ નહીં થતાં લોકોમાં રોષ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧૬: શહેરમાં નાવલી નદીથી અમરેલી રોડ સુધી બનાવવામાં આવેલ માર્ગ થોડા સમય બાદ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગના બાંધકામ સમયે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો અગાઉ પણ અખબારોના માધ્યમથી કરવામાં આવ્યા હતા. તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ યોગ્ય તપાસ કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
હાલમાં માર્ગ ઉપરથી સિમેન્ટનો પડ ઉખડી જતાં નીચે વપરાયેલ કાંકરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જેના કારણે માર્ગની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ ટૂંકા સમયમાં જ ખરાબ થતાં સરકારી નાણાંના ઉપયોગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે યોગ્ય ગુણવત્તા ચકાસણી, દેખરેખ અને જરૂરી તકેદારી રાખવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ ઊભી ન થાત. માર્ગના બાંધકામમાં કોન્ટ્રાક્ટર અને સંબંધિત કર્મચારીઓની મિલીભગત થઈ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે સત્તાવાર તપાસ થાય ત્યાર બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.
સરકારી નાણાંમાંથી કરવામાં આવતા જાહેર કામોમાં ગુણવત્તા જળવાય અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર કયારે તપાસ હાથ ધરે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
