News of Monday, 27th April 2026
કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોર્પોરેશન-પાલિકા-જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ
ધોમધખતા તાપ વચ્ચે કયાંક ઓછુ તો કયાંક વધુ મતદાન થયુઃ અનેક જગ્યાએ ઇવીએમમાં ટેકનીકલ ફોલ્ટની ફરીયાદો ઉઠી

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંપન્ન થયા બાદ કાલે તા. ર૮ ને મંગળવારે મત ગણતરી થશે.
કાલે બપોર સુધીમાં પરિણામ જાહેર થશે.
અનેક જગ્યાએ ઇવીએમમાં ટેકનીકલ ફોલ્ટની ફરીયાદો ઉઠી હતી.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભુજમાં મતદારોને પોતાના મતદાન બુથ શોધવામાં ભારે હાલાકી પડી હતી. ખાસ કરીને ભુજના વોર્ડ નં. ૪ અને ૮ના મતદારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સીમાંકનમાં થયેલા ફેરફારોને કારણે અવ્યવસ્થા સર્જાઈ હોવાનું તંત્રનું કહેવું છે. પૂરતી માર્ગદર્શિકાના અભાવે મતદારો એક બુથથી બીજા બુથ સુધી ભટકતા રહ્યા હતા. નામ યાદીમાં હોવા છતાં બુથની માહિતી ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ચૂંટણીના દિવસે આવી ગડબડ સામે આવતા કચ્છ વહીવટી તંત્ર પર અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
ભુજના ગણેશનગરમાં આવેલી શાળા નંબર ૧૭માં એક વળદ્ધ મતદારે કંટાળી ચૂંટણી ઝોનલ અધિકારીને રજૂઆત કરી હતી. તેમણે કહ્યું, લોકસભા, વિધાનસભા મતદાન કરી ચૂકયો છું પરંતુ આવી અવ્યવસ્થા કયારેય જોઈ નથી. હું હાર્ટ પેશન્ટ છું, સવારથી હેરાન થઈ રહ્યો છું તેમ છતાં મને મારું મતદાન મથક મળતું નથી. ચૂંટણી સમયે આવી ગંભીર બેદરકારી ન ચાલે.
લખપત તાલુકાના મેઘપર બુથ પર જુણાચાય ગામના ૭૦થી વધારે મતદારોનાં નામ જ વોટર લિસ્ટમાં ન હોવાથી અનેક મતદારોને વગર મતદાને પરત ફરવું પડ્યું હતું. તંત્ર SIR કામગીરીની ભૂલ બતાવી રહ્યું છે, જ્યારે દયાપર મામલતદાર ઓફિસથી SIRની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થયાનું જણાવવામાં આવી રહ્યું છે.
કયા અધિકારીની ભૂલ કે રાજકારણની રમતને કારણે મતદારોને મતદાન કર્યા વગર ઘરે પરત ફરવું પડ્યું તે સૌથી મોટો સવાલ છે. તંત્રની આ નિષ્ફળતાથી લોકશાહીના પર્વ પર કલંક લાગ્યું છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
