News of Sunday, 30th August 2026
શાહુકારનું લાયસન્સ રદ થવા મામલે રાજુ કરપડાએ તોડ્યું મૌન: કહ્યું- મુદત પુરી થતા સામેથી રદ કરાવ્યું
સુરેન્દ્રનગરમાં 79 શાહુકારોના લાયસન્સ રદ થતાં સર્જાયેલા વિવાદ પર રાજુ કરપડાએ જણાવ્યું કે 9 વર્ષ પહેલાં લીધેલા લાયસન્સનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. 5 વર્ષની મુદત પૂરી થતાં પોતે સામેથી રદ કરાવ્યું હતું:તેમણે રાજકીય ઈરાદાથી બદનામ કરવા અહેવાલ વાયરલ કરાયા હોવાનો દાવો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિયમોનું પાલન ન કરનારા 79 નાણાં ધીરધાર કરનારાઓના લાયસન્સ રદ કરવામાં આવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ યાદીમાં નામ સામે આવ્યા બાદ સર્જાયેલા વિવાદ મામલે ખેડૂત નેતા રાજુ કરપડાએ ખુલાસો કર્યો છે કે 9 વર્ષ અગાઉ લીધેલા લાયસન્સનો ક્યારેય ઉપયોગ કર્યો નહોતો અને મુદત પૂર્ણ થયા બાદ પોતે સામેથી જ રદ કરવા અરજી કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરી દ્વારા તાજેતરમાં જિલ્લામાં સક્રિય તેમજ નિષ્ક્રિય નાણાં ધીરધાર કરનારાઓ (શાહુકારો) સામે વહીવટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નિયમ મુજબ હિસાબો રજૂ ન કરનારા અને નિર્ધારિત સમયમર્યાદામાં લાયસન્સ રિન્યૂ ન કરાવનારા કુલ 79 શાહુકારોના લાયસન્સ રદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ યાદી જાહેર થતાં જ તેમાં ખેડૂત અગ્રણી રાજુ કરપડાનું નામ હોવાની બાબત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બની હતી. પોતાનું નામ વિવાદમાં આવતાં રાજુ કરપડાએ તાત્કાલિક સમગ્ર મામલે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને વિગતો જાહેર કરી હતી.
રાજુ કરપડાએ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ રાજકીય ઈરાદા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, "જ્યારે કોઈ વ્યક્તિ નિયમ મુજબ લાયસન્સ રિન્યૂ ન કરાવે ત્યારે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તંત્ર લાયસન્સ રદ કરવાનો હુકમ કરતું હોય છે. પરંતુ મારી સામાજિક અને રાજકીય છબી ખરડવા માટે કેટલાક તત્વો દ્વારા આ સામાન્ય વહીવટી બાબતનું ખોટું અર્થઘટન કરીને સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે."
ગુજરાત મની લેન્ડર્સ એક્ટ મુજબ અધિકૃત શાહુકારોએ દર પાંચ વર્ષે લાયસન્સ રિન્યૂ કરાવવું અને વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત હોય છે. તંત્ર દ્વારા નિયમિત અંતરે કરવામાં આવતી આ ચકાસણી સામાન્ય સરકારી પ્રક્રિયા છે. ખેડૂત હિતો માટે અવાજ ઉઠાવતા આગેવાન સામે આ પ્રકારના વિવાદો જાહેર જીવનમાં રાજકીય ગતિવિધિઓ અને પારદર્શિતા બંને દ્રષ્ટિએ ભારે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
