News of Wednesday, 17th June 2026
કચ્છને રેલવેની મોટી ભેટ : આદિપુરથી ભુજ સિંગલ રેલવે લાઇનને રૂ.493 કરોડના ખર્ચે ડબલ ટ્રેકમાં ફેરવવા મંજૂરી
આ નિર્ણયથી ટ્રાફિકનું ભારણ ઘટશે, બે નવી પેસેન્જર ટ્રેનો દોડશે અને વાર્ષિક 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે

કચ્છમાં રેલવે નેટવર્કને મજબૂત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના આદિપુરથી ભુજ રેલવે લાઇનના ડબલિંગ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 493 કરોડના જંગી ખર્ચે આશરે 49 કિલોમીટર લાંબી સિંગલ રેલવે લાઇનને ડબલ ટ્રેકમાં ફેરવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી સમગ્ર કચ્છ જિલ્લામાં રેલવે કનેક્ટિવિટી અને ટ્રેનોના સંચાલનની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે.
આ નવો ડબલ ટ્રેક તૈયાર થવાથી આદિપુર-ભુજ રેલખંડ પર વર્ષોથી રહેતું ટ્રાફિકનું ભારે ભારણ ખૂબ જ ઘટી જશે. લાઇન ડબલિંગ થવાના કારણે હવે બંને દિશામાં 2 વધારાની નવી પેસેન્જર ટ્રેનો દોડાવવાનો માર્ગ એકદમ મોકળો બની ગયો છે, જેનો સીધો લાભ સ્થાનિક મુસાફરો અને પ્રવાસીઓને મળશે.
આ ઉપરાંત, આર્થિક દૃષ્ટિકોણથી આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થશે, કારણ કે ડબલ લાઇન થવાથી દર વર્ષે 12 મિલિયન ટન જેટલું વધારાનું ગુડ્ઝ ટ્રાફિક એટલે કે માલ પરિવહન શક્ય બનશે, જે સ્થાનિક ઉદ્યોગોને મોટી બૂસ્ટર ડોઝ આપશે.
આ નવો નિર્ણય માત્ર આદિપુર અને ભુજ પૂરતો સીમિત નથી, પરંતુ તે ભવિષ્યની મોટી રેલવે યોજનાઓ જેવી કે ભુજ-નલિયા રેલવે લાઇનના વિસ્તરણ માટે પણ એક મજબૂત અને મોટો આધાર પૂરો પાડશે. કચ્છમાં ઔદ્યોગિકીકરણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ આધુનિકીકરણથી સમગ્ર પંથકના સર્વાંગી આર્થિક વિકાસને એક નવી ઊર્જા અને ગતિ મળશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વેપાર-રોજગારના નવા દ્વારા ખુલતા કચ્છી પ્રજામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
