News of Saturday, 17th October 2026
કચ્છના બન્નીમાં ચિત્તાના આગમનની તૈયારીઓ નિર્ણાયાત્મક તબક્કામાં: સંભવત ડિસેમ્બર સુધીમાં આગમનની વકી
બન્નીના વિશાળ ઘાસનાં મેદાનમાં ચિત્તાના પુનઃવસવાટ માટે વહીવટી અને માળખાકીય તૈયારીઓ અને કર્મચારીઓની તાલીમને આખરી ઓપ અપાઈ રહ્યો છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : કચ્છના એશિયાના સૌથી વિશાળ ઘાસનાં મેદાનો પૈકીના બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનઃવસવાટ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. ચાલુ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં બન્નીની ધરતી પર ચિત્તાના આગમનની પ્રબળ શક્યતાઓ વચ્ચે વન વિભાગ દ્વારા વહીવટી, માળખાકીય અને સુરક્ષાલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન દ્વારા ચિત્તા કન્ઝર્વેશન બ્રિડિંગ સેન્ટર ખાતે સુરક્ષિત એન્ક્લોઝર, સીસીટીવી સર્વેલન્સ, તબીબી સુવિધાઓ તેમજ ચિત્તાના શિકાર આધારિત પ્રાણીઓની પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કામગીરી ચાલી રહી છે.
વન વિભાગનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સુધારાઓ અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત, બન્ની ખાતે ફરજ બજાવનારા વનકર્મીઓ અને પશુચિકિત્સકોની વિશેષ ટીમને ચિત્તા હેન્ડલિંગ, ટ્રેકિંગ અને ઇમરજન્સી મેનેજમેન્ટ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક ખાતે ખાસ તાલીમ આપવામાં આવી ચૂકી છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ જરૂરી પ્રક્રિયાઓ અને માપદંડોનું પાલન થાય તે દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જો ડિસેમ્બર મહિના સુધીમાં ચિત્તાનું આગમન થાય તો ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બની શકે છે, જ્યાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેય મહત્ત્વપૂર્ણ જંગલી બિલાડી પ્રજાતિઓની હાજરી નોંધાય. જોકે, ચિત્તાના પુનઃવસવાટથી માત્ર બન્નીના ઇકોસિસ્ટમનું સંતુલન જ નહીં, પરંતુ કચ્છના પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક અર્થતંત્રને પણ નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બન્નીમાં ચિત્તાના આગમનને લઈને વન વિભાગ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં છે અને આ વર્ષના અંતે ડિસેમ્બર સુધીમાં આ મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થાય એવા ચિહ્નો દેખાઈ રહ્યા છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
