<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ. ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી

યોગથી મન શાંત થાય અને જીવન નિરોગી બને, આજના યુવાનોએ મોબાઈલથી દૂર રહી યોગને જીવનનો ભાગ બનાવવો જોઈએ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૨: વિશ્વભરમાં ૧૨ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત  પોરબંદરમાં પૂ. ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરના પરિસરમાં વહેલી સવારે ભવ્‍ય યોગ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સાંદીપનિ ઋષિકુળ - સંસ્‍કૃત માધ્‍યમ અને સાંદીપનિ ગુરુકુળ - અંગ્રેજી તથા ગુજરાતી માધ્‍યમના તમામ અધ્‍યાપકો, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ સામૂહિક ઉપસ્‍થિતિ નોંધાવી. શ્રીહરિ મંદિરના પવિત્ર પરિસરમાં સૂર્યોદય સાથે જ પ્રાણાયામ, સૂર્યનમસ્‍કાર અને તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન સહિતના વિવિધ યોગાસનો કરવામાં આવ્‍યા હતા.

યોગ પ્રશિક્ષકોએ વિદ્યાર્થીઓને દરેક આસનના ફાયદા સમજાવ્‍યા હતા. વિદ્યાર્થીઓએ શિસ્‍તબદ્ધ રીતે યોગ કરી શરીર અને મનની એકાગ્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આચાર્યશ્રીએ સંબોધનમાં જણાવ્‍યું કે યોગ એ માત્ર વ્‍યાયામ નથી, પણ ભારતીય સંસ્‍કૃતિનો અમૂલ્‍ય વારસો છે. પૂજ્‍ય ભાઈશ્રી હંમેશા કહે છે કે યોગથી મન શાંત થાય અને જીવન નિરોગી બને. આજના યુવાનોએ મોબાઈલથી દૂર રહી યોગને જીવનનો ભાગ બનાવવો જોઈએ.

કાર્યક્રમના અંતે સૌએ યોગ કરો, નિરોગી રહો, વસુધૈવ કુટુંબકમના નારા સાથે વિશ્વને સ્‍વસ્‍થ અને શાંતિપૂર્ણ બનાવવાનો સંકલ્‍પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્‍યેની જાગૃતિ વધી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:47 AM IST)