News of Wednesday, 29th July 2026
મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતઃ ઉદ્યોગકારોનો લજાઈ ચોકડી પાસે ચક્કાજામ
તંત્ર અને નેતાઓની નિષ્ક્રિયતાથી રોષઃ થોડી જ વારમાં જાતે જ ચક્કાજામ ખોલી નખાતા અચરજ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૯: મોરબી-રાજકોટ હાઈવેની અત્યંત ખરાબ હાલત અને રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓથી કંટાળીને ઉદ્યોગકારોએ લજાઈ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો હતો. જોકે, થોડી જ વારમાં ઉદ્યોગકારોએ જાતે જ આ ચક્કાજામ ખોલી નાખતા અચરજ સર્જાયું હતું.
મોરબીથી ટંકારા વચ્ચેના હાઈવે પર ઠેર-ઠેર મસમોટા ગાબડાઓ પડી ગયા છે. આખો રોડ મગરની પીઠ માફક બની જતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. હાઇવે પરના ખાડાઓને પગલે લોકો અને ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાના સમારકામ મુદ્દે રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આ વિભાગના અધિકારીઓ કલેકટર, ધારાસભ્ય કે મુખ્યમંત્રીને પણ ગાંઠતા ન હોવાનો ઘાટ સર્જાયો છે. આજદિન સુધી લોકો દ્વારા અનેક વખત લેખિત ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના કોઈ અધિકારીએ જવાબ દેવાની કે સંકલન કરવાની તસ્દી લીધી નથી.
જમીની વાસ્તવિકતા સાવ વિપરીત હોવા છતાં કાર્યપાલક ઈજનેર દ્વારા કાગળ પર બધું ‘સબ સલામત' હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. લોકોનો રોષ સતત ભભૂકી રહ્યો છે ત્યારે હવે એક જ મોટો સવાલ ભો થયો છે કે આ બિસ્માર હાઇવેનું કામ આખરે કરશે કોણ અને કયારે?
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
