News of Monday, 11th May 2026
ધ્રોલ પાસે મહેસાણાની ઇકો કાર ટ્રક પાછળ અથડાતાં એકનું મોતઃ નણંદ-ભોજાઇને ઇજા
નાની દવ ગામના ઠાકોર-વાઘેલા પરિવારના સાત જેટલા સદસ્યો દ્વારકા દર્શન કરી પરત જતાં હતાં ત્યારે બનાવઃ મેહુલજી ઠાકોરનું ઘટના સ્થળે મૃત્યુઃ ઇજાગ્રસ્ત સુમિત્રાબેન અને દિપીકાબેનને રાજકોટ ખસેડાયા

તસ્વીરમાં અકસ્માત સ્થળે વાહનો અને ઇકોની હાલત કેવી થઇ હતી તે જોઇ શકાય છે (તસ્વીરઃ સંજય ડાંગર-ધ્રોલ)
રાજકોટ તા. ૧૧: ધ્રોલના માર્કેટીંગ યાર્ડ નજીક મોડી રાતે ઇકો કાર આગળ બંધ ઉભેલા ટ્રકની પાછળ અથડાઇ જતાં ઇકોમાં બેઠેલા મહેસાણા પંથકના સાત પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણને ઇજાઓ થઇ હતી. મહેસાણા પંથકના પરિવારના સદસ્યો ઇકો કારમાં બેસી દ્વારકા દર્શનાર્થે આવ્યા હતાં. પરત મહેસાણા જતી વખતે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મહેસાણાના નાની દવ ગામના પાંચ જેટલા લોકો શનિ-રવિની રજામાં દ્વારકા દર્શનાર્થે આવ્યા હતાં. પરત રાતે મહેસાણા જતી વખતે ધ્રોલ નજીક પહોંચ્યા ત્યારે તેમની ઇકો કાર કોઇપણ કારણોસર રોડ સાઇડમાં બંધ ઉભેલા ટ્રકની પાછળ અથડાઇ જતાં ઇકોમાં બેઠેલા પૈકીના એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજા પામનાર નાની દવ ગામના સુમિત્રાબેન જીગરશીભાઇ વાઘેલા (ઉ.વ.૨૪) અને તેમના નણંદ દિપીકાબેન રાહુલજી ઠાકોર (ઉ.વ.૨૨)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસને જાણ કરી હતી.
ધ્રોલથી સંજય ડાંગરના જણાવ્યા મુજબ મૃતકનું નામ મેહુલજી ફુલસંગજી ઠાકોર (ઉ.વ.૧૮) છે. મોડી રાતે આ બનાવ બનતાં ધ્રોલ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલે ખસેડવા તજવીજ કરી હતી. જ્યારે મૃતદેહનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતક યુવાન અભ્યાસ કરતો હતો અને બે ભાઇમાં નાનો હતો. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. ચાલકને કદાચ ઝોકુ આવી જતાં અકસ્માત સર્જાયો હોઇ શકે છે. ધ્રોલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવારમાં તબિબોએ, સ્ટાફે ધ્યાન ન દીધાનો આક્ષેપ ઇજાગ્રસ્તોના સગા-સંબંધીએ કર્યો હતો.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
