<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

શુક્રવારે ધોરાજી-ઉપલેટામાં ડો. મનસુખભાઇ માંડવીયાના હસ્‍તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૯ :..  શહેરી વિસ્‍તારોના ઝડપી વિકાસ માટે રાજકોટ જિલ્લાની ધોરાજી અને ઉપલેટા નગરપાલિકા વિસ્‍તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આગામી તા. ૨૨/૦૫/૨૦૨૬, શુક્રવારના રોજ યોજાશે. આ તમામ વિકાસ કાર્યો ભારત સરકારના માનનીય શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતોના કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સાહેબના વરદ હસ્‍તે અને માનનીય ધારાસભ્‍યશ્રી ડો. મહેન્‍દ્રભાઈ પાડલિયા સાહેબની ગરિમામય ઉપસ્‍થિતિમાં સંપન્ન થશે. આ સુવ્‍યવસ્‍થિત આયોજનથી બંને શહેરોની આંતરમાળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને સ્‍થાનિક વિકાસને નવી ગતિ મળશે. ધોરાજી નગરપાલિકા વિસ્‍તારમાં યોજાનાર કાર્યક્રમમાં કુલ રૂા. ૮૦૦ લાખ (૮.૦૦ કરોડ) ના પ્રજાલક્ષી કામો જનતા ચરણોમાં સમર્પિત કરાશે. આ અંતર્ગત સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચાપાતર, ગણેશપરા તથા સંજયનગર આઉટગ્રોથ વિસ્‍તારમાં સી.સી. રોડ, પાણીની લાઇન અને સ્‍ટ્રીટ લાઇટના પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ થશે. આ સાથે જ જિલ્લા આયોજન કચેરી દ્વારા મંત્રીશ્રીની ગ્રાંટમાંથી ખરીદાયેલ અદ્યતન એમ્‍બ્‍યુલન્‍સ અને ભુગર્ભ ગટરની નિયમિત સફાઈ માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા ગ્રેબ બકેટ મશીન અને જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

 બીજી તરફ, ઉપલેટા નગરપાલિકા વિસ્‍તારમાં કુલ રૂા. ૧૪.૦૩ કરોડથી વધુ ના રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં યોજના અંતર્ગત અને સાંસદ ગ્રાંટ હેઠળ પૂર્ણ થયેલ પટેલ નગર મેઈન રોડ, રામેશ્વર એપાર્ટમેન્‍ટથી સ્‍વામિનારાયણ મંદિર, સાંકુતલ સોસાયટી અને કોલકી રોડ વી.પી. ઘેટિયા સ્‍કૂલ સુધીના સી.સી. રોડ તેમજ નવી એમ્‍બ્‍યુલન્‍સ સેવા સહિતના કુલ રૂા. ૧,૫૭,૮૭,૦૦૮/- ના કામોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત, શહેરમાં ભવિષ્‍યની જરૂરિયાતોને ધ્‍યાને રાખીને વિવિધ વોર્ડના વિસ્‍તારો જેવા કે વેસ્‍ટર્ન પાર્ક, સિદ્ધિ ટાવર, વળંદાવન સોસાયટી, જલારામનગર, મોહનનગર અને નોબદ હુડ સ્‍કૂલ રોડ સહિતના વિસ્‍તારોમાં કુલ રૂા. ૧૨,૪૫,૩૩,૨૮૯/- ના ખર્ચે સી.સી. રોડના નવા કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ભવ્‍ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે બંને નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા ભાજપ તથા શહેર ભાજપ અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્‍યામાં સ્‍થાનિક નાગરિકો ઉત્‍સાહભેર ઉપસ્‍થિત રહેશે.(તસવીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(11:32 AM IST)