<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

દિવાળી અને નૂતન વર્ષના પર્વે કાગવડનું ખોડલધામ મંદિર ઝળહળી ઉઠયું

દિવ્‍ય રોશનીથી મંદિર પરિસરમાં અલૌકિક નજારો : મંદિરના શિખરથી પ્રવેશદ્વાર સુધી આકર્ષક રોશનીનો શણગાર : બે વિશાળ રંગોળી બનાવાશે : દરરોજ માતાજીના વિશિષ્ટ શણગાર થશે : લાખો શ્રદ્ધાળુઓના આગમનને પહોંચી વળવા ટ્રસ્‍ટની વિશેષ તૈયારીઓઃ ૩૦૦થી વધુ સ્‍વયંસેવકો ખડેપગે રહેશે : વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા

કાગવડ (રાજકોટ), તા. ૬ : દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની ઉજવણી નિમિત્તે કાગવડ સ્‍થિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિરને ભવ્‍ય અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્‍યું છે. મંદિરના વિશાળ શિખરથી લઈને પ્રવેશદ્વાર સુધી ઝગમગતી રોશનીના કારણે સમગ્ર મંદિર પરિસર નયનરમ્‍ય અને અલૌકિક બની ગયું છે. દિવાળીના તહેવારો દરમિયાન મા ખોડલના દર્શનાર્થે આવનારા લાખો શ્રદ્ધાળુઓને આ દિવ્‍ય શણગારનો લહાવો મળશે.

શ્રી ખોડલધામ મંદિરના નિજ મંદિર, ભવ્‍ય શિખર અને મુખ્‍ય પ્રવેશદ્વારને આકર્ષક એલઈડી તથા સુવર્ણ રોશનીથી શણગારવામાં આવ્‍યા છે. રાત્રિના સમયે દૂરથી તેમજ આકાશમાંથી મંદિરનો ઝળહળતો નજારો અત્‍યંત મનોહર દેખાય છે. મંદિર પરિસરના મુખ્‍ય માર્ગો, વોકવે, બગીચાઓ અને અન્‍ય વિસ્‍તારોને પણ વિવિધ રંગોની રોશનીથી સુશોભિત કરવામાં આવ્‍યા છે.

દિવાળીની ઉજવણીને વધુ યાદગાર બનાવવા મંદિર પરિસરમાં બે વિશાળ અને આકર્ષક રંગોળીઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન મા ખોડલને દરરોજ વિશિષ્ટ અને અવનવા શણગાર કરવામાં આવશે. આમ, સમગ્ર મંદિર પરિસરમાં ભક્‍તિ, આસ્‍થા અને ઉત્‍સવનો અનોખો માહોલ સર્જાશે.

દિવાળી, નૂતન વર્ષ અને વેકેશન દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્‍યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે આવતા હોય છે. શ્રદ્ધાળુઓના સંભવિત ભારે ધસારાને ધ્‍યાનમાં રાખીને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા દર્શન વ્‍યવસ્‍થા, સુરક્ષા, પીવાના પાણી અને વાહન પાર્કિગ સહિતની સુવિધાઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે દરરોજ ૩૦૦થી વધુ સ્‍વયંસેવકો ખડેપગે રહી સેવા આપશે. વાહનોની અવરજવર સુચારુ રહે તે માટે ચાર અલગ અલગ વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા પણ ઊભી કરવામાં આવી છે. ટ્રસ્‍ટ દ્વારા શ્રદ્ધાળુઓના સ્‍વાગત અને સુવિધા માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

શ્રી ખોડલધામ મંદિરમાં દર્શન અને આરતીનો સમય

શ્રી ખોડલધામ મંદિર પરિસરના પ્રવેશદ્વાર દરરોજ સવારે ૫-૩૦ કલાકે ખોલવામાં આવે છે. સવારે ૬ વાગ્‍યાથી માતાજીના દર્શન શરૂ થાય છે.

સવારે ૭ વાગ્‍યે મંગળ આરતી અને સાંજે ૭ વાગ્‍યે માતાજીની આરતી કરવામાં આવે છે. દિવસ દરમિયાન દર્શન ખુલ્‍લાં રહે છે. રાત્રે ૯ વાગ્‍યે માતાજીના દર્શન બંધ થાય છે, જ્‍યારે રાત્રે ૯-૩૦ કલાકે સમગ્ર મંદિર પરિસર બંધ કરવામાં આવે છે.

(3:16 PM IST)