News of Saturday, 17th October 2026
કચ્છના અંજાર, ભુજ, રાપર, આદિપુર અને ગાંધીધામમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં કેન્દ્રોનો પ્રારંભ
માત્ર રૂ. ૫માં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન; રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેન્દ્રો શરૂ કરાયાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં ૧૦૧ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા પર આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. યોજના અંતર્ગત માત્ર રૂ. ૫માં શ્રમિકો તથા તેમના પરિવારને રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. વધુમાં, શ્રમિકોના સ્વાસ્થ્યવર્ધન માટે સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઇ-નિર્માણ કાર્ડ લઈને કેન્દ્ર પર જવાનું હોય છે. ત્યાં કાર્ડમાં દર્શાવેલા ઇ-નિર્માણ નંબર અથવા ક્યૂ.આર. (QR) કોડ સ્કેન કરાવીને રૂ. ૫માં ટોકન મેળવવાનું હોય છે. ત્યારબાદ શ્રમિકને પોતાના ટિફિનમાં અથવા કેન્દ્ર પર બેસીને જમવા માટે ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે.
અંજાર ખાતે નવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*કચ્છ જિલ્લામાં પાંચ નવાં કેન્દ્રોનો પ્રારંભ*
કચ્છ જિલ્લામાં અંજાર ઉપરાંત ગાંધીધામ, ભુજ, આદિપુર અને રાપર ખાતે પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. ગાંધીધામમાં સુંદરપુરી પાણીની ટાંકી પાસે આવેલા કડીયાનાકા ખાતે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ, જ્યારે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આદિપુર અને રાપર ખાતે સ્થાનિક મહાનુભાવોના હસ્તે કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ નવાં કેન્દ્રો શરૂ થવાથી કચ્છના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ બનશે.
(તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
